- રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા
- જૂનાગઢ સેન્ટરના ખેડૂતોએ મગફળીની ખરીદી પ્રક્રિયાને આવકારી
- મગફળીની ખરીદી પ્રક્રિયા વ્યવસ્થિત ચાલતી હોવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ
જૂનાગઢ: રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. આ તકે જૂનાગઢ સેન્ટર ખાતે મગફળીની ખરીદી પ્રક્રિયાની ઈટીવી ભારતે મુલાકાત લીધી હતી. જેમાં ખરીદી પ્રક્રિયાના જે ધારાધોરણો સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે, તે મુજબ ખરીદી પ્રક્રિયા વ્યવસ્થિત ચાલતી હોવા અંગેનો વિશ્વાસ જૂનાગઢ સેન્ટરનાં ખેડૂતોએ વ્યક્ત કર્યો છે.
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા અંગે ખેડૂતોએ સંતોષ વ્યક્ત કર્યો સમગ્ર પ્રક્રિયા પારદર્શી અને ન્યાયપૂર્ણ: ખેડૂતો
જૂનાગઢમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીની પ્રક્રિયાને જૂનાગઢ સેન્ટરના ખેડૂતોએ આવકારી છે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શી અને ન્યાયપૂર્ણ હોવાનું જૂનાગઢના ખેડૂતોએ જણાવ્યું છે. સાથે જ ખરીદી પ્રક્રિયામાં સામેલ કર્મચારી અને અધિકારીઓની નિયમ મુજબ રોટેશન પદ્ધતિ કરવામાં આવી રહી છે. હવે આગામી દિવસોમાં મગફળીની ખરીદી પ્રક્રિયા અંતિમ તબક્કા તરફ આગળ વધશે.
ઈટીવી ભારતે લીધી ખરીદી સેન્ટરની મુલાકાત
હાલમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા જૂનાગઢ સેન્ટર પર ચાલી રહી છે. જેને લઈને ઈટીવી ભારતે ખરીદી સેન્ટરની મુલાકાત લીધી હતી. જ્યાં ખેડૂતોએ મગફળીની ખરીદી પ્રક્રિયા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને ખરીદી પ્રક્રિયાના વખાણ કર્યા હતા.
લાભપાંચમથી શરુ કરવામાં આવી ખરીદી પ્રક્રિયા
ઉલ્લેખનીય છે કે, લાભપાંચમથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં આ વર્ષે ખરીદ પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ કર્મચારી અને અધિકારીઓની રોટેશન મુજબ બદલી કરવામાં આવી રહી છે. જે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે તેમાં શિક્ષક, ક્લાર્ક, તલાટી મંત્રી, ખેતીવાડી કોલેજ, ખેતી વિભાગના કર્મચારીઓ તેમજ સમગ્ર પ્રક્રિયા પર નિયંત્રણ રાખી શકે તે માટે જિલ્લાના વર્ગ-૨ના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. તમામ કર્મચારી અને અધિકારીઓને દર પંદર દિવસે બદલી કરવામાં આવે છે. જેથી સમગ્ર પ્રક્રિયાનું વ્યવસ્થિત આયોજન થઇ શકે.
ગત વર્ષે મગફળીની ખરીદી પ્રક્રિયા વિવાદમાં સપડાઈ હતી
ગત વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા ખૂબ જ વિવાદિત બની હતી. રોજ નવા કૌભાંડો બહાર આવતા હતા. જેને લઈને રાજ્ય સરકારે ખુલાસો કરવા મીડિયા સમક્ષ આવવું પડતું હતું. ત્યારે ગત વર્ષની ભૂલમાંથી રાજ્ય સરકાર અને પુરવઠા વિભાગે શીખ લીધી હોય તેમ લાગી રહ્યું છે. આ વર્ષે મગફળીની ખરીદી પ્રક્રિયામાં ગેરરીતિ થઇ હોય તેવો એક પણ બનાવ આજ દિન સુધી જોવા મળ્યો નથી. ખરીદ પ્રક્રિયા શરૂ થઈ ત્યારે કેટલાક આક્ષેપો થઇ રહ્યા હતા. જોકે, આ આક્ષેપોમાં હજુ સુધી કોઈ તથ્ય જણાયું નથી. જેથી એટલું કહી શકાય કે, આ વર્ષની મગફળીની ટેકાના ભાવે થઈ રહેલી ખરીદી પ્રક્રિયા બિલકુલ ધારાધોરણ મુજબ અને નિર્ધારિત કરેલા નિયમો મુજબ જ ચાલી રહી છે. જેને ખેડૂતો પણ આવકારી રહ્યા છે.