- ફરી એક વખત જૂનાગઢ જિલ્લામાં મગફળીની ખરીદીને લઈને થયા આક્ષેપો
- કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપો કર્યા બાદ કિસાન સંઘે પણ સમગ્ર મામલામાં તપાસ કરવાની કરી માગ
- ગત વર્ષે પણ મગફળીની ખરીદમાં ગોલમાલ થઈ હતી, પરંતુ પગલાં લેવાની વાતમાં હજુ પણ વિલંબ
- ફરી એક વખત જૂનાગઢ જિલ્લામાં મગફળીની ખરીદી શંકાના દાયરામાં
જૂનાગઢમાં સતત બીજા વર્ષે મગફળીના ટેકાના ભાવને લઈ ખેડૂતોમાં અસંતોષ - Kisan Sangh
ગયા વર્ષે જૂનાગઢ જિલ્લામાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીને લઈને ઘણો વિરોધ થયો હતો. જોકે, આ વખતે પણ આ ઘટનાનું પુનરાવર્તન થયું છે. સતત બીજા વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીને લઈને ખેડૂતો મેદાને ઊતર્યા છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે ખરીદીમાં સરકાર ગોલમાલ કરી રહી છે તેવું લાગી રહ્યું છે.

જૂનાગઢઃ મગફળીની ખરીદીમાં ગોલમાલને લઈને કિસાન સંઘ પણ મેદાને આવ્યું છે. ફરી એક વખત જૂનાગઢ જિલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદીને લઈને કિસાન કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે ત્યારે આજે ભારતીય કિસાન સંઘ જૂનાગઢ દ્વારા પણ મુખ્યપ્રધાનને પત્ર લખીને સમગ્ર મામલામાં તપાસ કરવાની માગ કરવામાં આવી છે. સતત બીજા વર્ષે જૂનાગઢ જિલ્લામાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને બે દિવસથી આક્ષેપ પ્રતિ-આક્ષેપનો નવો દોર શરૂ થયો છે. કિસાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પાલ આંબલિયાએ જિલ્લાના માળિયા હાટીના કેન્દ્ર ખાતે મગફળીની ખરીદીમાં મોટી ગોલમાલની શંકાઓ વ્યક્ત કરી છે. વેર હાઉસિંગ દ્વારા અંદાજિત 3 હજાર ગુણી મગફળી પરત મોકલવામાં આવી છે. તેને લઈને રાજ્ય સરકાર અને પૂરવઠા વિભાગ સામે શંકાની સોંઈ તાકી છે, જેમાં હવે ભારતીય કિસાન સંઘ પણ જોડાયું છે
જૂનાગઢના ભારતીય કિસાને સંઘે મુખ્યપ્રધાનને પત્ર લખીને તપાસની માગ કરી
સમગ્ર મામલાને લઈને ભારતીય કિસાન સંઘ જૂનાગઢ શાખા દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખીને સમગ્ર મામલામાં તપાસ કરવાની માગ કરી છે. કિસાન સંઘે જૂનાગઢ જિલ્લામાં સરકાર દ્વારા ખરીદવામાં આવેલી તમામ મગફળીની ખરીદી કરવામાં આવે તેવી માગ કરી છે. તેમ જ જે ખેડૂતોને હજુ સુધી મગફળીની ખરીદી બાદ ચૂકવણું કરવામાં નથી આવ્યું તેવા તમામ ખેડૂતોને તાકીદે ચૂકવણું કરવામાં આવે તેવી પત્ર દ્વારા માગ કરી છે.