- AAPએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગંભીરતાથી લીધી
- જૂનાગઢ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ડોર ટૂ ડોર પ્રચાર કરશે
- AAPએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને સેમિફાઇનલ ગણાવી
જૂનાગઢઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. ઉમેદવારીપત્રો ભરવાની પણ વાજતે ગાજતે શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી પણ ઝંપલાવતી જોવા મળી રહી છે અને મોટા ભાગની તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી AAP દ્વારા મત માગવા માટે પાર્ટીના સ્ટાર પ્રચારક અને દિલ્હી વિધાનસભાના વજુરપુર મત વિસ્તારના ધારાસભ્ય રાજેશ ગુપ્તાએ આજે શુક્રવારે જૂનાગઢની મુલાકાત લીધી હતી અને કાર્યકરોને સાંભળ્યા હતા. આ સાથે જ આગામી દિવસોમાં ચૂંટણી પ્રચારને લઈને કેવી રણનીતિ હોવી જોઈએ તેને તેના પર પણ કાર્યકરો સાથે ગંભીરતાથી મસલતો કરી હતી.
દિલ્હી AAPના ધારાસભ્ય રાજેશ ગુપ્તા જૂનાગઢમાં ચૂંટણી પ્રચાર કરવા આવ્યા દિલ્હી મોડેલ રાજકીય પક્ષનું નહીં પરંતુ મતદારોએ સૂચવેલું મોડેલ
ચૂંટણી પ્રચારથી જૂનાગઢ આવેલા રાજેશ ગુપ્તાએ દિલ્હી મોડલ પર ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, દિલ્હી મોડેલ કોઈ રાજકીય પક્ષનું મોડેલ નથી પરંતુ મતદારોએ સૂચવેલું મોડેલ છે. જે પ્રકારે દિલ્હીના મતદારોને શિક્ષણથી લઇને આરોગ્ય, પાણી અને રસ્તાઓની સુવિધા મળી રહી છે, તેવી તમામ સુવિધાઓ દરેક રાજ્યના મતદારોને મળવી જોઈએ. જે પ્રકારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર કામ કરી રહી છે, તે મુજબ કોઈ પણ રાજ્યની સરકારો કામ કરે તો જે તે રાજ્યના મતદારોને પ્રાથમિક કહી શકાય તેવી સારું આરોગ્ય, સારું શિક્ષણ અને સારા માર્ગ મળી શકે છે, પરંતુ રાજકીય પક્ષોની ઇચ્છા શક્તિના અભાવને કારણે જે સુવિધાઓ દિલ્હીના મતદારો મેળવી રહ્યા છે, તે દેશના અન્ય રાજ્યના મતદારો સુધી હજી પહોંચી શકી નથી. રાજેશ ગુપ્તા વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગુજરાત માટે તે સેમિફાઇનલનો જંગ માની રહ્યા છે. આગામી વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજવા જઇ રહી છે. જેમાં આમ આદમી પાર્ટી રાજ્યમાં મતદારોને ત્રીજા વિકલ્પ તરીકે ચૂંટણી લડશે અને સરકાર બનવાની સ્થિતિમાં જે દિલ્હી મોડેલ છે તેનો અમલ ગુજરાતમાં કરશે.