જૂનાગઢઃ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં બુધવારે 2 ઇંચ જેટલો કમોસમી વરસાદ પડયો હતો. જેને કારણે બાજરી, તલ અને ડુંગળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જેથી જગતનો તાત ખૂબ ચિંતિત જોવા મળી રહ્યો છે. કેટલાક ખેડૂતોનો ડુંગળીનો પાક બિલકુલ તૈયાર થઈ ગયો હતો અને આગામી દિવસોમાં બજારમાં પહોંચી શકે તેવી પરિસ્થિતિમાં હતો, પરંતુ કમોસમી વરસાદ પડતાં ડુંગળીનો તૈયાર પાક બગડી ગયો છે. જેને લઇને ખેડૂત વર્ગમાં ખૂબ ચિંતાઓ જોવા મળી રહીં છે.
જૂનાગઢ પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન - જૂનાગઢના તાજા સમાચાર
કોરોના વાઇરસના કહેરની વચ્ચે ખેડૂતો તેમનો તૈયાર પાક બજાર સુધી પહોંચાડી શકતા નથી. જેને કારણે ખેડૂતોમાં ખૂબ ચિંતામાં જોવા મળી રહી હતી. એમાં હવે બુધવારે જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડતાં તલ, બાજરી અને ડુંગળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.
ડુંગળી બાદ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં તલ અને ઉનાળુ બાજરીનું ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને આ પાકને જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે રોકડીયા પાક તરીકે પણ માનવામાં આવે છે, પરંતુ બુધવારે મોડી સાંજે વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે 2થી 2.5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતાં તલ અને બાજરીનો પાક પણ હવે બગડી ગયો છે. એક તરફ કોરોનાના કહેરની વચ્ચે ખેડૂતો તૈયાર પાક બજાર સુધી પહોંચાડી શકવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે ખેડૂતો માટે પડતા પર પાટું સમાન કમોસમી વરસાદે ખેડૂતોની અંતિમ આશાઓ અને ઈચ્છાઓ પર પણ પાણી ફેરવી દીધું છે.
કોરોનાના કહેરની વચ્ચે સરકારે ખેડૂતોને જે પ્રકારે છૂટ-છાટો આપી હતી, તેને લઈને ખેડૂતોમાં પણ આશાવાદનો સંચાર થયો હતો. પરંતુ બુધવારે કમોસમી વરસાદ પડતાં ખેડૂતોનો આશાવાદ હવે મૃગજળ બની રહ્યો છે. શિયાળા બાદ ઉનાળુ પાક પણ નિષ્ફળ જવાની ભીતિને કારણે ખેડૂત લાચાર બનીને કોરોનાની સાથે કુદરતનો માર પણ સહન કરવા માટે મજબૂર બન્યો છે.