- પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર.પાટીલની હાજરીમાં કોરોના ગાઇડલાઇનનો થયો ભંગ
- બાઇક રેલી દરમિયાન સામાજિક અંતર અને માસ્ક વગર કાર્યકરો જોવા મળ્યા
- સતત વધતા કોરોના સંક્રમણને લઈને રાજકીય પક્ષો બની રહ્યા છે બેજવાબદાર
જૂનાગઢઃ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેશોદ ખાતે જાહેર સભામાં હાજરી આપવા માટે આવ્યા હતા, ત્યારે કોડીનારથી કેશોદ આવેલા સી.આર.પાટીલે એરપોર્ટ પરથી ભાજપના 200 કરતાં વધુ કાર્યકરો સાથે બાઈક રેલી યોજી હતી. આ બાઇક રેલીમાં મોટાભાગના કાર્યકરો માસ્ક વગર જોવા મળતા હતા. વધુમાં બાઇક રેલી દરમિયાન સામાજિક અંતરનો પણ ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળતો હતો. સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને રાજકીય પક્ષોની આ પ્રકારની બેદરકારી સામાન્ય લોકો માટે ખૂબ મોટી નુકસાનકારક બની શકે છે. સત્તાધારી ભાજપ પક્ષના કાર્યકરો જ આ પ્રકારની બેદરકારી દાખવી રહ્યા છે, ત્યારે સામાન્ય લોકો પાસે અમલ કરાવવો સરકાર માટે કઈ રીતે યોગ્ય હોઈ શકે તેને લઈને પણ હવે સવાલો ઊભા થશે.