- 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જૂનાગઢમાં કરાઇ
- નવા 5 લાખ ગેસ કનેક્શન આપવાની જાહેરાત
- 'લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટ'નું સૂત્ર આપ્યું
જૂનાગઢ: 15 ઓગષ્ટના 75મા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની જૂનાગઢમાં ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું સ્વાગત કર્યુ હતું. સવારે 9 વાગ્યે મુખ્યપ્રધાનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. નાગરિકોને સંબોધતા મુખ્યપ્રધાને લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટનું સૂત્ર આપ્યું હતું અને દેશહિતને ધ્યાનમાં રાખીને લોકોને કામ કરવા જણાવ્યું હતું.
બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનોના લાઈવ દ્રશ્યોનું સીધું પ્રસારણ
મુખ્યપ્રધાનના હસ્તે રાજ્યના પોલીસ વિભાગમાં 10 હજાર બોડી વોર્ન કેમેરા તથા 15 ડ્રોન કેમેરા સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા તથા સોમનાથમાં બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનોના લાઈવ દ્રશ્યોનું સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ સાથે ડ્રોન કેમેરા સિસ્ટમનું પણ નિરીક્ષણ મુખ્યપ્રધાને કર્યું હતું. 'દેશને આઝાદી અપાવનારા સ્વતંત્રતા સેનાનીઓને નમન'જૂનાગઢથી ગુજરાતીઓને સંબોધતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, મા ભારતીની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા ક્રાંતિકારીઓ અને સ્વતંત્રતા સેનાનીઓને નમન. આવો સંકલ્પ લઇએ કે, સશક્ત, સમૃદ્ધ તથા આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પુરી નિષ્ઠા તથા લગનથી કાર્ય કરીશું.