જૂનાગઢઃ શહેરમાં 247 જેટલા CCTV કેમેરાની જાળ બિછાવવામાં આવી છે, જેના થકી સમગ્ર શહેરમાં નાનામાં નાની હિલચાલની તેમજ સંભવિત ગુનાઓને અટકાવવા ઉપરાંત ગુનો કરવાની ફિરાકમાં ફરતા લોકો તેમજ આરોપીઓ સુધી પહોંચી વળવા માટે જૂનાગઢ જિલ્લામાં પોલીસને છેલ્લા છ કરતા વધુ માસથી આ CCTV કેમેરા થકી ખૂબ મોટી સફળતા મળી રહી છે.
જૂનાગઢ પોલીસ માટે CCTV બન્યા ત્રીજી આંખ, ઈ મેમો થકી પોલીસને 20 લાખથી વધુની આવક થઈ - Junagadh Police
જૂનાગઢ પોલીસને ત્રીજી આંખ સમાન CCTV કેમેરા ખુબ જ મદદગાર બની રહ્યા છે. શહેરમાં 247 કરતા વધુ CCTV કેમેરાની જાળની વચ્ચે પોલીસને ગુનો થતો અટકાવવા, સંભવિત ગુનામાં આરોપીઓ સુધી પહોંચવા ખાસ મદદ મળી રહી છે. બેફિકરાઈથી અને વાહન વ્યવહાર વિભાગના નિયમોની વિરુદ્ધ વાહન હંકારવાના કિસ્સામાં જૂનાગઢમાં પોલીસે અંદાજિત 6 હજાર કરતા વધુ વાહનચાલકોને ઈ મેમો ફટકારીને તેમાંથી 20 લાખ કરતા વધુની આવક પ્રાપ્ત કરી છે.
આ સમગ્ર નેટવર્ક જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે, જેના થકી માત્ર ગુનેગારો સુધી પહોંચવા જ નહીં, પરંતુ વાહન વ્યવહાર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરનારા લોકો સુધી પણ પહોંચવામાં મદદ મળી રહી છે.
આ CCTV કેમેરાની મદદથી અત્યાર સુધીમાં જિલ્લામાં પોલીસને મોટર વાહન વ્હીકલ એક્ટના ભંગ જેવા કે, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ત્રણ સવારી વાહન ચલાવવું, મોટરકારોમાં કાળા કલરની ફિલ્મ લગાવવી, બેફિકરાઈથી વાહન હંકારવું તેમજ અનઅધિકૃત રીતે વાહનને પાર્કિંગ કરવાના કિસ્સામાં અંદાજિત 6 હજાર કરતા વધુ વાહનચાલકો પાસેથી પોલીસે ઈ મેમો થકી રૂપિયા 20 લાખ કરતા વધુનો દંડ ફટકારીને આવક મેળવવામાં પણ આ CCTV કેમેરા ઉપયોગી બની રહ્યા છે.