- સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી વધુ કેટલાક સિંહ બાળ અને સિંહ યુગલને બરડા ડુંગર જિનપૂલમાં મોકલાયા
- સિંહ સંવર્ધન કેન્દ્રમાં વધુ કેટલાક સિંહોના આગમનથી સિંહોની સંતતિ પર સતત થશે અનુસંધાનનો
- જામનગર નજીક બનેલા ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં પણ બે દીપડા અને કેટલાક હરણોને મોકલાયા
જૂનાગઢઃ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી પાંચ જેટલા સિંહ બાળ અને એક સિંહ યુગલને બરડા ડુંગરમાં આવેલા સિંહોના સંવર્ધન કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાના બરડા ડુંગર વિસ્તારમાં પાછલા કેટલાક વર્ષોથી સિંહના સંવર્ધનને લઈને સંશોધનો ચાલી રહ્યા છે ત્યારે તેના ભાગરૂપે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી કેટલાક સિંહબાળ અને એક સિંહ યુગલને મોકલવામાં આવ્યું છે, જેના પર આગામી સમયમાં સંશોધનો હાથ ધરાશે અને એશિયાના સિંહોના સંવર્ધનમાં કેટલીક સફળતા મળે તે માટે આ જિનપૂલ ઊભુ કરવામાં આવ્યું છે. અહીં, સંશોધનાત્મક કાર્ય સિંહોની પ્રજાતિ પર થઈ રહ્યા છે તેમાં કેટલાક કિસ્સાઓમાં ધીમે ધીમે સફળતા પણ મળી રહે છે.
વધુ બે દીપડા અને કેટલાક હરણને ખાનગી પ્રાણીસંગ્રહાલયમાં મોકલાયા
જામનગર નજીક બનેલા ભારતના પ્રથમ ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં વધુ બે દીપડા અને કેટલાક હરણને જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી મોકલવામાં આવ્યા છે. આ અગાઉ 35 જેટલા દીપડાઓને ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવ્યા છે, જેમાં વધુ બે દીપડા કે મોકલીને તેની સંખ્યા 40 જેટલી થવા જાય છે. તેની સાથે કેટલાક હરણ અને પણ ખાનગી પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવ્યા છે.