જૂનાગઢઃ માળીયા અને ઘેડ પંથકમાં ગત એક અઠવાડિયાથી સતત અને અવિરત પણે ભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે માળીયા નજીક બનાવવામાં આવેલા વ્રજમી ડેમના 4 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે.
જૂનાગઢઃ વ્રજમી ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા - news of junagadh
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે માળીયા નજીક બનાવવામાં આવેલો વ્રજમી ડેમ ઓવરફ્લો થયો છે. જેથી આ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેને લઇને નીચાણવાળા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યાં છે.
ડેમના દરવાજા ખોલવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેને કારણે વહીવટી તંત્ર દ્વારા તાલુકાના નવા તેમજ જુના વાંદરવડ, દુધાળા, સરકડિયા, ઈટાળી, વડીયા, કડાયા, નાની ધણેજ, ગળું તેમજ વિસણવેલ સહિત નદીના પટ વિસ્તારમાં આવતા ગામોના લોકોને બિનજરૂરી અવરજવર નહીં કરવા તેમજ સલામત અને ઊંચા સ્થળે ખસી જવાની તાકીદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. હજૂ પણ વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખી આગામી સમયમાં વધુ કેટલાક ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે. જેને કારણે લોકોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે.