જામનગર: દેશની આઝાદીમાં જે જે નેતાઓએ ભાગ બજાવ્યો છે, તેના વિશે બધાને જાણવાની ઈચ્છા થતી હોય સ્વભાવિક છે, પણ એક માણસે દેશના ભાગલા કરવામાં જે ભાગ ભજવ્યો અને ખલનાયક રૂપમાં દેશમાં જેની છબી છે તેવા મહમદ અલી ઝીણા (Gujarat Connection Muhammad Ali Jinnah)ના મૂળ ગામ અને જે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા તે વિશે લોકો બહું ઓછું જાણતા હશે. આજે Etv Bharatની ટીમ પહોંચી છે જામનગરથી બાર કિલોમીટર દૂર આવેલા જાંબુડા ગામમાં. વહેલી સવાર છે ગામમાં શિયાળામાં નયનરમ્ય દ્ર્શ્યો જોવા મળી રહ્યા છે. સ્કૂલમાં બાળકોનો કોલાહલ છે. સરકારી સ્કૂલમાં બાળકો આવી ગયા છે અને શિક્ષકો પોતાની રોજીંદી કામગીરીમાં લાગી ગયા છે. પ્રિસિપાલ પ્રવીણભાઈએ વાત વાતમાં ખલનાયક ઝીણા વિશે માહિતી આપવાની શરૂઆત કરી.
મુસ્લિમ દેશના પહેલા રાષ્ટ્રપિતાનો જન્મ મૂળ હિંદુ પરિવારમાં થયો
આજથી 75 વર્ષ પહેલા જાંબુડાની સરકારી સ્કૂલમાં પાકિસ્તાનના રાષ્ટ્રપિતા (Pakistan Father of the Nation) મહમ્મદ અલી ઝીણાએ અભ્યાસ કર્યો હતો. આ ગામ મહમ્મદ અલી ઝીણાના મામાનું ગામ છે. નાનપણમાં ઝીણા મામાના ઘરે રહેતા હતા અને અહી અભ્યાસ કરતા હતા. જો કે ઝીણા એ માત્ર ધો.5 સુધીમાં અહી અભ્યાસ કર્યો હતો. બાદમાં તેમનો પરિવાર અન્ય જગ્યાએ સ્થળાંતર કરતા તેઓ અહીથી ચાલ્યા ગયા હતા. પણ ઉપલેટા પાસે આવેલ પાનેલી ગામમાં ઝીણાનો જન્મ થયો હતો. મોટા ભાગના લોકો કદાચ નહી જાણતા હોય કે મુસ્લિમ દેશના પહેલા રાષ્ટ્રપિતાનો જન્મ મૂળ હિંદુ પરિવારમાં થયો હતો. 25 ડિસેમ્બર 1876ના રોજ પાનેલીમાં મહમ્મદ અલી ઝીણાનો જન્મ થયો હતો જ્યારે 11 સપ્ટેમ્બર 1948ના રોજ કરાચીમાં તેમનું નિધન થયું હતું, પરંતુ ત્યાં સુધીમાં તો ઝીણાની જીદ અને લાલચે ભારતના બે ભાગલા પાડી નાખ્યા હતા.
પરદેશ જવાના ઇરાદે સ્કૂલ છોડી
મૂળ લોહાણા પરિવારમાં જન્મેલા મોહમ્મદ ઝીણા (Unknown Stories of Muhammad Ali Zina)ના પૂર્વજોએ ઈસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે વણકર કામ કરીને ઘરનું ભરણપોષણ કરતા ઝીણાના દાદાએ માછીમારીનો ધંધો શરૂ કર્યો હતો, લોહાણા સમાજને આ પસંદ ન આવતાં ના છૂટકે ઝીણાના પરિવારે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. આમ ઝીણાનો જન્મ મૂળ હિંદુ પરિવારમાં જ થયો હતો. મોહમ્મદ અલી ઝીણાએ પોતાનું નાનપણ આ જાંબુડા ગામમાં વિતાવ્યું હતું, અહીની સરકારી સ્કૂલમાં જ અભ્યાસ કર્યો હતો જોકે બાદમાં સ્કૂલ રજિસ્ટરમાં જે પ્રકારની નોંધ છે તે પ્રમાણે પરદેશ જવાના ઇરાદે મહંમદઅલી ઝીણાએ જાંબુડા સરકારી સ્કૂલ છોડી હતી તેવું રજિસ્ટરમાં આજે પણ ઊલ્લેખ છે.