જામનગરઃ અહીં સારો રસ્તો બનાવવા માટે સ્થાનિક ઉદ્યોગકારો, ગ્રામજનો અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે માગણી કરી છે, પરંતુ છેલ્લા એક વર્ષથી તેમની માગણી પૂરી થઈ નથી. અનેક વખત નાઘેડી લાખાબાવળ ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે. જ્યારે નાઘેડી ગ્રામ પંચાયતના સરપંચ અને લોકપ્રતિનિધિ દ્વારા ત્રણ વખત રૂબરૂ મુલાકાત અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પ્રતિક્રિયા મળતી નથી. નાઘેડી ગામમાં અંદાજે 7 હજારથી વધુ લોકો રહે છે. જ્યારે 25 લાખ ચો. ફૂટથી વધારે જગ્યા રેસિડેન્સિયલ ઝોન અને 60 લાખ ચો. ફૂટથી વધારે જગ્યામાં અનેક ફેક્ટરીઓ છે.
જામનગર બાયપાસથી નાઘેડી ગામને જોડતા 2.5 કિમીના રસ્તાનું સમારકામ એક વર્ષથી અદ્ધરતાલ - રજૂઆત
જામનગર બાયપાસથી નાઘેડી ગામને જોડતો 2.5 કિમીનો રસ્તો નાઘેડી ગામનો એક મુખ્ય માર્ગ છે. હાલમાં આ રસ્તો ખૂબ જ જર્જરિત થઈ ગયો છે. અહીં આવરજવર કરવી પણ અકસ્માતને આમંત્રણ આપવા જેવું થઈ ગયું છે. આ રસ્તા પર 4 સ્કૂલ આવેલી છે. જ્યારે સ્કૂલ વાહનો, ભારે વાહનો, અને ગ્રામીણ લોકોની અવરજવરને કારણે ટ્રાફિક રહેતો હોવાથી અકસ્માતનો પણ ભય રહે છે. આથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે સ્થાનિકો સહિત ધારાસભ્યએ પણ ત્રણ વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલા લેવાતા નથી.
જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળે હાલમાં જ 13 કરોડના ખર્ચે ઈન્ડસ્ટ્રીઅલ એરિયામાં પીપીઈ પ્રોજેક્ટનું કામ પૂર્ણ કર્યું છે, પરંતુ 2.5 કિમીના આ રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી, જે અહીંના લોકો માટે એક મોટી સમસ્યા બની ગઈ છે. જામનગર બાયપાસથી નાઘેડી ગામને જોડતો આ મુખ્ય માર્ગ જિલ્લા પંચાયત હેઠળ આવે છે અને નાઘેડી ગામ "જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ (જાડા)"માં આવે છે.આ અંગેની એનઓસી જિલ્લા પંચાયત દ્વારા 'જાડા'ને આપવામાં આવી છે અને 'જાડા' જ આ રસ્તાને મંજૂર કરીને કામગીરી આગળ વધારે તેવું જિલ્લા પંચાયતે સ્પષ્ટતા કરી છે. છતાં જાડાના ઉચ્ચ અધિકારીઓના વર્ચસ્વને કારણે આ કામ મંજૂર કરવામાં આવ્યું નથી તેવો લોકોનો આક્ષેપ છે.
જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળના તાબા હેઠળ 35 ગામનો સમાવેશ થાય છે, જેમાં નાઘેડી ગામમાંથી સૌથી વધારે આવક થાય છે. આ મુખ્ય માર્ગ 9 મીટરનો બનાવવા 'જાડા' દ્વારા આ રસ્તો બનાવવા 3.75 કરોડનું ફંડ પણ રાખી મુકવામાં આવ્યું છે અને 20 ટકા લોકફાળા તરીકે અંદાજે 60 લાખની રકમ ગ્રામજનો અને ઈન્ડસ્ટ્રિઅલ એરિયાના ફેક્ટરી ઓનર્સ આપવા પણ તૈયાર હોવા છતાં હજી સુધી આ રોડ મંજૂર કરવામાં વિલંબ થઈ રહ્યો છે એટલે લોકોમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. આ ઉપરાંત આ મુખ્ય માર્ગ પાસ કરાવવા માટે પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.