- ઠંડીને કારણે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો તથા પશુ-પક્ષીઓની હાલત પણ દયનીય
- લઘુતમ તાપમાનનો પારો 8 ડિગ્રી : હાડ ધ્રુજાવતી ઠંડીથી જનજીનવ પ્રભાવિત
- ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું
જામનગર: સપ્તાહના પ્રારંભથી લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિઝિટમાં સરકી જતાં હાડ ધ્રુજાવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું હતું. શિયાળાએ આક્રમક મિજાજ યથાવત રાખતા લઘુતમ તાપમાનનો પારો નવ ડિગ્રીએ પહોંચતા સુસવાટા મારતાં પવન સાથે વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. કડકડતી ઠંડીનો મુકામ જામનગર સહિત હાલાર પંથકમાં જોવા મળ્યો હતો.
શિતપ્રકોપના કારણે સતત ધમધમતાં માર્ગો સૂમસામ બન્યા
જામનગરમાં મંગળવારે 9 ડિગ્રી તાપમાન નોંધાયા બાદ ફરી એક ડિગ્રીના ઘટાડા સાથે આજે 8 તાપમાન જોવા મળતાં શિતપ્રકોપના કારણે સતત ધમધમતાં માર્ગો સુમસામ બન્યા હતા. લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિઝિટમાં સરકી જતાં હાડ ધ્રુજાવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું હતું. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુતમ તાપમાન 8.0 ડિગ્રી મહતમ તાપમાન 26.0 ડિગ્રી હવામાં ભેજનું પ્રમાણ 69 ટકા નોંધાયું હતું. પખવાડિયાની રાહત બાદ સપ્તાહના પ્રારંભથી હાડ ધ્રુજાવતી ઠંડીની શરુઆત થઈ હતી.
જામનગરમાં સતત ચોથા દિવસે લઘુતમ તાપમાન સિંગલ ડિઝિટમાં
જામનગરમાં કાતિલ ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો. બર્ફિલા પવનને કારણે મોડી સાંજે તથા વહેલી સવારે વાતાવરણ ઠંડુગાર જોવા મળ્યુ હતું. તેમજ વહેલી સવારે ધુમ્મસનું આવરણ છવાયેલું જોવા મળ્યુ હતું. જામનગરમાં છેલ્લા 4 દિવસથી લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિઝિટમાં જોવા મળ્યો હતો. જેના પરિણામે તિવ્ર ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું હતું. ઠંડીના કારણે વહેલી સવારે નોકરી-વ્યવસાય અર્થે જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સમગ્ર દિવસ દરમ્યાન લોકો ગરમ કપડામાં જોવા મળ્યા હતા. સુસવાટા મારતાં પવન અને કડકડતી ઠંડીથી રાત્રિના સમયે માર્ગો પર સ્વયંભુ કફર્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લેતા જોવા મળ્યા હતા. ઠંડીને કારણે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો તથા પશુ-પક્ષીઓની હાલત પણ દયનીય બની હતી.