જામનગરના ત્રણ સ્મશાન ગૃહમાં કોરોનાકાળ દરમિયાન સંખ્યાબંધ લોકોના કરાયા અંતિમ સંસ્કાર - Jamnagar Cemetery
જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન અનેક દર્દીઓના મોત નિપજ્યા છે. જોકે સરકારી ચોપડે અત્યાર સુધીમાં સાડા ત્રણસો જેટલા કોરોનાં દર્દીઓના મોત કોવિડ હોસ્પિટલમાં નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે પણ સ્મશાનમાં નોંધેલા આંકડા કંઇક અલગ છે.
Gujarat News
By
Published : Jun 1, 2021, 6:13 PM IST
જામનગરમાં આવેલા ત્રણ સ્મશાનમાં કોરોનાકાળ દરમિયાન સંખ્યાબંધ લોકોના અંતિમ સંસ્કાર કરાયા
જામનગર: કોરોનાકાળ દરમિયાન શહેરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રના કોરોનાના દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા હતા. કોરોનાની સારવાર દરમિયાન અનેક દર્દીઓના મોત નિપજ્યા છે. જોકે સરકારી ચોપડે અત્યાર સુધીમાં સાડા ત્રણસો જેટલા કોરોનાં દર્દીઓના મોત કોવિડ હોસ્પિટલમાં નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે પણ સ્મશાનમાં નોંધેલા આંકડા કંઇક અલગ છે.
જામનગરના ત્રણ સ્મશાનગૃહમાં ઘણા લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
આદર્શ શમશાન ગૃહ, ગાંધીનગર શમશાન ગૃહ, નાઘેડી શમશાન ગૃહ ઉપરોક્ત ત્રણેય સ્મશાન ગૃહ 24 કલાક કાર્યરત હતા. ત્રણેય સ્મશાન ગૃહમાં ગેસ તેમજ લાકડાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. જોકે જામનગર મહાનગરપાલિકા સંચાલિત એક પણ સ્મશાનગૃહ જામનગર શહેરમાં કાર્યરત નથી. જનરલ બોર્ડમાં અવારનવાર આ મુદ્દો વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવે છે. છતાં પણ સ્થાનિક રાજકીય લોકોની ઇચ્છા શકિતનો અભાવ હોવાના કારણે માત્ર મુદ્દો ચર્ચા પૂરતો જ સીમિત રહી જાય છે. અગાઉ જનરલ બોર્ડમાં લાલપુર ચોકડી પાસે જામનગર મહાનગરપાલિકા સંચાલિત શમશાન ગૃહનો ઠરાવ જનરલ બોર્ડમાં પાસ થયો હોવા છતાં પણ હજુ સુધી ત્યાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સમર્પણ હોસ્પિટલના ટ્રસ્ટી વસ્તાભાઈ કેશવાલાએ સ્વ ખર્ચે નાઘેડીમાં સ્મશાન ગૃહ શરૂ કર્યું
જામનગરમાં આદર્શ શમશાન ગુહએ સૌથી એક્ટિવ સ્મશાન ગૃહ છે અને શહેર મધ્ય આવેલું હોવાથી અહીં લોકો અંતિમ સંસ્કાર માટે પહેલી પસંદગી ધરાવે છે. જાન્યુઆરી મહિનાથી મે મહિના સુધી 24 કલાક અહીં અંતિમ સંસ્કારની કામગીરી કરવામાં આવી રહી છે. આ સ્મશાન ગૃહ ટ્રસ્ટ સંચાલિત સ્મશાન ગૃહ છે. તો ગાંધીનગર સ્મશાન ગૃહ પણ શહેરની મધ્યે આવેલું છે. જોકે સતત કોરોનાથી લોકોના મોત નિપજતા એક સમયે સ્મશાન ગૃહમાં પણ વેઇટિંગ આવતું હતું. જેને કારણે સમર્પણ હોસ્પિટલના ટ્રસ્ટી વસ્તાભાઈ કેશવાલાએ સ્વ ખર્ચે નાઘેડીમાં સ્મશાન ગૃહ શરૂ કર્યું છે.
જામનગર
ત્રણ શમશાન ગૃહના ટ્રસ્ટીઓ સાથે કરી ટેલિફોનિક વાતચીત
આદર્શ સ્મશાન ગૃહના ટ્રસ્ટી દર્શન ઠાકર સાથે ટેલિફોનિક વાત કરતા તેમને જણાવ્યું કે, તેઓ બહાર ગામ હોવાથી આવે ત્યારે જાન્યુઆરીથી મે મહિના સુધીના આંકડા આપશે. તો નાઘેડી શમશાન ગૃહના ટ્રસ્ટી વસ્તાભાઈ કેશવાલાએ જણાવ્યું કે, અમે કોઈ નોંધ રાખતા નથી પણ વિનામૂલ્યે અંતિમસંસ્કાર કરી આપવામાં આવે છે. કોરોના કાળમાં રોજ 20થી 24 જેટલા મૃતદેહના અંતિમ સંસ્કાર નાઘેડી સ્મશાન ગૃહમાં કરવામાં આવતા હતા. હજુ સ્મશાન ગૃહ શરૂ જ કર્યું છે એટલે અહીં એક ચોકીદાર સિવાય કોઈ સ્ટાફ પણ નથી. એટલે અતિમ સંસ્કારની કોઈ નોંધ રાખવામાં આવી નથી. તો ગાંધીનગર સ્મશાન ગૃહના ટ્રસ્ટી ગીરીશભાઈ ગણત્રાએ જાન્યુઆરીથી મે મહિના સુધીમાં ગાંધીનગર સ્મશાન ગૃહમાં કરવામાં આવેલા અંતિમ સંસ્કારના આંકડા આપ્યા છે. શહેરમાં કુલ ત્રણ સ્મશાન ગૃહ કોરોનાકાળમાં કાર્યરત છે.
જામનગર
ગાંધીનગર સ્મશાન ગૃહના આંકડા
મહિના
મૃત્યુ આંક
જાન્યુઆરી
56
ફેબ્રુઆરી
29
માર્ચ
53
એપ્રિલ
405
મે
278
પાંચ મહિનામાં ગાંધીનગર શમશાન ગૃહમાં કુલ 819 જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જેમાં કોવિડ અને નોન કોવિડનો સમાવેશ થાય છે.