- હાપા માર્કેટ યાર્ડમાં મગફળીની ઓપન હરાજી
- બીજા દિવસે પણ વાહનોની લાંબી લાઈનો
- માલ રાખવા માટે નથી પૂરતી વ્યવસ્થા
જામનગર: રાજ્યભરમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરુ કરી દેવામાં આવતા જ જામનગરના હાપા માર્કેટ યાર્ડ બહાર ઓપન હરાજીમાં મગફળીનો માલ વેચવા મોટી સંખ્યામાં એકત્ર થઇ રહ્યા છે. આથી માર્કેટ યાર્ડમાં વાહનોની લાંબી કતારો લાગી હતી. દૂરદૂરના ગામડાઓમાંથી આવતા ખેડૂતોને માર્કેટ યાર્ડમાં માલ મૂકવાની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો.
હાપા માર્કેટ યાર્ડમાં સતત બીજા દિવસે લાગી વાહનોની લાંબી કતારો ખેડૂતો વાહનચાલકોને ચૂકવી રહ્યા છે બમણું ભાડું
હાપા માર્કેટ યાર્ડની બહાર બે કિલોમીટર લાંબી કતારો લાગતા ચેરમેન રાઘવજીભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે હાપા માર્કેટ યાર્ડ એક નાનું માર્કેટ યાર્ડ છે અહીં પૂરતી કેપેસિટી ન હોવાના કારણે તમામ ખેડૂતોનો માલ રાખી શકાય તેમ નથી.
ખેડૂતોએ કરી વૈકલ્પિક વ્યવસ્થાની માગ
દૂર ગામડેથી મગફળીનું વેચાણ કરવા આવેલા ખેડૂતો નાછૂટકે વાહન ચાલકને બમણું ભાડું ચૂકવવા લાચાર બન્યા છે. કારણ કે ચોવીસ કલાકથી ખેડૂતોની મગફળી યાર્ડ બહાર જ પડી છે. આથી હાપા માર્કેટ યાર્ડમાં મગફળીનું વેચાણ કરવા આવી રહેલા ખેડૂતો માગ કરી રહ્યા છે કે હાપા માર્કેટ યાર્ડ દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ જેનાથી ખેડૂતો હેરાન ન થાય.