- કોરોનાને નાથવા હાલ વેક્સિન જ હથિયાર
- મેડિકલ ઓફિસરે વેક્સિન લેવા કરી અપીલ
- 18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિનેશન શરૂ
જામનગરઃ કોરોનાને નાથવા હાલ વેક્સિન જ ઈલાજ છે, ત્યારે જામનગર શહેરમાં કામદાર કોલોની વિસ્તારમાં આવેલી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસર તરીકેની ફરજ બજાવતા ડૉ. કાજલ ચૌહાણે જામનગરની જનતાને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, લોકોએ વધુમાં વધુ કોરોના પ્રતિરોધક રસી લેવી જોઈએ. કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર તથા જામનગર શહેરમાં કોરોના વેક્સિન ઉપલબ્ધ છે. જામનગરના લોકો કોરોના વેક્સિનના બંને ડોઝ લઈને કોરોનાથી પોતાને તથા પરિવારને સુરક્ષિત કરે.
જામનગરમાં કુલ 15 જગ્યાએ વેક્સિન આપવાનું શરૂ
રાજ્ય સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે કોવિડ એપ મારફતે વધુમાં વધુ યુવાઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી વેક્સિન લે એ જરૂરી છે. કારણ કે કોરોના સામે લડવા હાલના તબક્કે રસીકરણ જ એકમાત્ર અમોધ શસ્ત્ર છે. જામનગરમાં કુલ 15 જગ્યાએ વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.