જામનગરમાં નવા વર્ષે જ ખેલાયો ખૂની ખેલ, જમીન દલાલે કરી જમીન દલાલની હત્યા - crime news in jamangar
જામનગરઃ સોમવારે નવા વર્ષના દિવસે લોકો એક-બીજા પ્રત્યે ઘૃણા ભૂલી ભાઈચારાથી ગળે મળે છે, ત્યારે જામનગરમાં નવા વર્ષે જ ખુની ખેલ ખેલાયો હતો. જેમાં શહેરના ગુલાબનગર વિસ્તારમાં જમીન મકાન દલાલીનું કામ કરતા એક વ્યક્તિની અન્ય એક જમીન મકાનના દલાલે જ સામાન્ય બોલાચાલી બાદ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.
ગુલાબનગરમાં રહેતા શંભુભાઈ ડાંગર નામના આધેડ જમીન મકાનની દલાલીનો ધંધો કરતા હતાં. તેમની મુકેશ રાઠોડ સાથે મિત્રતા હતી, ત્યારબાદ બંને સાથે કામ પણ કરતા હતા. જો કે, નવા વર્ષના દિવસે શંભુભાઈ અને મુકેશ બંને મુકેશના ઘરે એકઠા થયા હતાં, ત્યારે બંને વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાયેલા મૂકેશે પોતાના ઘરમાં રહેતા તિક્ષ્ણ હથિયાર વડે શંભુભાઈ પર હુમલો કર્યો હતો. જેમાં શંભુભાઈના પેટ અને છાતીના ભાગે ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.