- જામનગર ના G.G. Hospital નો ચકચારી યૌન શોષણ કેસ
- કમિટીએ રિપોર્ટ જમા કરાવ્યો પણ દોષિતો સામે ફરિયાદ નહીં
- ફરિયાદ નોંધાવવાની માગ સાથે મહિલા ન્યાય મંચ દ્વારા ધરણા
જામનગર: જી.જી. હોસ્પિટલ (G.G. Hospital) નો ચકચારી યૌન શોષણ કેસ (Sexual Harassment Case) દિવસેને દિવસે નવા વળાંક લઈ રહ્યો છે. ઘટનાના છેક ગાંધીનગર સુધી પડઘા પડ્યા બાદ હોસ્પિટલ કક્ષાએ તેની તપાસ ચાલી રહી છે. જોકે, આ ઘટનાને લઈને એટેન્ડન્ટ્સ દ્વારા ઉગ્ર રજૂઆતો કરાયા બાદ પણ હજુ સુધી પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોવાથી લાલ બંગલા સર્કલ ખાતે મહિલા ન્યાય મંચ (mahila nyay manch) દ્વારા ફરિયાદ દાખલ કરવાની માગ સાથે ધરણા યોજવામાં આવ્યા છે. જો આ પ્રકરણમાં કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો કોર્ટમાં જવાની ચીમકી પણ મહિલા ન્યાય મંચ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
કમિટીએ રિપોર્ટ તો રજૂ કર્યો પણ કોઈ એક્શન નહીં
જામનગર યૌન શોષણ કેસ (Jamnagar Sexual Harassment Case) ને એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે. મુખ્યપ્રધાન રૂપાણી (CM Rupani) અને ગૃહપ્રધાને પણ આ પ્રકરણમા સ્થાનિક તંત્રને કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. તેમ છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તાજેતરમાં જ જામનગરના મહિલા ન્યાય મંચ (mahila nyay manch) દ્વારા યૌન શોષણ કેસ (Sexual Harassment Case) સંદર્ભે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે.
ન્યાયની માગ સાથે ધરણા શરૂ
મંગળવારે મહિલા ન્યાય મંચ દ્વારા શહેરના લાલ બંગલા સર્કલ ખાતે ધરણા યોજવામાં આવ્યા છે. જામનગર યૌન શોષણ કેસ (Jamnagar Sexual Harassment Case) માં શામેલ લોકો સામે ફરિયાદ દાખલ કરવાની માગ સાથે એટેન્ડન્ટ યુવતીઓ સાથે મહિલા ન્યાય મંચની મહિલાઓએ ધરણા યોજ્યા છે. આ ધરણા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, કોંગ્રેસ તેમજ વાલ્મિકી સમાજના આગેવાનો પણ જોડાયા છે.