- મુખ્યપ્રધાન બાદ જામનગરના સાંસદે લીધી અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત
- સાંસદ પૂનમ માડમે સ્થળ પર પહોંચીને તારાજીનું નિરીક્ષણ કર્યું
- અધિકારીઓને ત્વરિત આરોગ્યલક્ષી કામગીરી કરવાની પણ આપી સૂચના
ન્યૂઝ ડેસ્ક: તાજેતરમાં જ ભારે વરસાદે સમગ્ર સૌરાષ્ટ્રમાં તારાજી સર્જી હતી. તેમાં પણ સૌથી વધારે અસર રાજકોટ અને જામનગર જિલ્લાને પડી હતી. ત્યારે જામનગરના સાંસદ પૂનમ માડમે જામનગરના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સંબંધિત અધિકારીઓને ત્વરિત આરોગ્યલક્ષી અને રાહતલક્ષી કામગીરી કરવાની સૂચના આપી હતી.
સર્વે શરૂ કરી ત્વરિત કેશડોલ ચૂકવવા આપી સૂચના
સાંસદ પૂનમ માડમે અતિવૃષ્ટિગ્રસ્ત ગામો જેવા કે આલિયા, બાણુગર, રામપર, ધુતારપર, ધુળશીયા સહિતના ગામોની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે પીડિતો સાથે વાત કરીને તેમની આપવિતી સાંભળી હતી. જ્યારબાદ સંલગ્ન અધિકારીઓને સર્વે શરૂ કરીને તાત્કાલિક કેશડોલ ચૂકવવા માટે સૂચના આપી હતી.
જામનગરના સાંસદ પૂનમ માડમ પહોંચ્યા અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાતે
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે શપથ લીધાના બીજા દિવસે જ લીધી હતી મુલાકાત
રાજ્યના 17માં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે 15 સપ્ટેમ્બરના રોજ શપથ લીધા બાદ બીજા જ દિવસે રાજકોટ અને જામનગરની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરીને જવાબદાર અધિકારીઓને જરૂરી કામગીરી કરવા માટે સૂચના આપી હતી અને પીડિતો સાથે વાત કરીને તેમને શાંત્વના આપી હતી.