• કોર્પોરેશનના કોન્ટ્રાકટ બેઝ આરોગ્યકર્મીઓ નારાજ
• હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી
• ઓછા પગારને કારણે આરોગ્યકર્મીઓ નારાજ
જામનગરઃ શહેર સહિત રાજયભરમાં સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં ફરજો બજાવતાં ઇન્ટર્ન તબીબોની હડતાળ ત્રણ દિવસ પછી સમેટાઇ ગઇ છે. ત્યાં હવે જામગનર કોર્પોરેશનના આરોગ્યકર્મીઓએ હડતાળની ચીમકી ઉચ્ચારી છે. આરોગ્યકર્મીઓએ પૂરતો પગાર નહીં મળે તો કામગીરી બંધ કરવાની ચીમકી આપી છે.
કામના બદલામાં અનેક પ્રકારનું શોષણ
ડૉક્ટર્સની હડતાળ સમેટાઈ, હવે મનપાના આરોગ્યકર્મીઓએ હડતાળની ચીમકી ઉચ્ચારી - Private Health Workers
જામનગર મહાનગરપાલિકામાં ખાનગી એજન્સી હસ્તક કામ કરતાં સંખ્યાબંધ આરોગ્યકર્મીઓએ પોતાની પડતર માગણીઓ અંગે અવાજ શરૂ કર્યો છે. તેઓને યોગ્ય પ્રતિભાવ આપવામાં નહીં આવે તો આ આરોગ્યકર્મીઓઓ પોતાની કામગીરી બંધ કરી દેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

છેલ્લા ઘણાં મહિનાઓથી કોર્પોરેશનના ખાનગી આરોગ્યકર્મીઓ રાતદિવસ ફરજ બજાવી રહ્યાં છે. તેઓને કામના બદલામાં ખૂબ જ ઓછો પગાર આપી તેઓનું શોષણ કરવામાં આવે છે. એવી લાગણી આ આરોગ્યકર્મીઓએ વ્યકત કરી છે. આરોગ્યકર્મીઓને અપાતા પગારમાંથી 18 ટકા તથા 8 ટકા કમિશન કાપી લેવામાં આવે છે. ખૂબીની વાત એ છે કે, રાજય સરકારે ગત્ ફેબ્રુઆરીમાં આ પ્રકારના કર્મચારીઓના પગારમાંથી કમિશન ન કાપવું એવી સૂચનાઓ તમામ ખાનગી કોન્ટ્રાકટર એજન્સીઓને આપી છે.
ન તો પીએફનો લાભ કે ન તો પગારની સ્લીપ
વધારામાં આ પ્રકારના કર્મચારીઓને પગારની સ્લીપ પણ આપવામાં આવતી નથી. આ પ્રકારના ખાનગી કર્મચારીઓને પીએફનો લાભ પણ મળવાપાત્ર હોતો નથી. આનાથી તેમના સામાજિક જીવનમાં પણ કફોડી સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે અત્યંત મુશ્કેલીઓનો સામનો તેઓ કરી રહ્યાં છે.