- જીજી હોસ્પિટલમાં એટેન્ડન્ટ જાતીય શોષણનો મામલો
- ત્રણ સુપરવાઈઝર જાતીય શોષણ માટે યુવતીઓને ફોન પર વાત કરતાં?
- ડીન દ્વારા તટસ્થ તપાસની ખાતરી અપાઈ, સરકારે તપાસ કમિટી નીમી
જામનગરઃ જામનગરની જી.જી.હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓની જાતીય સતામણી કરવામાં આવતી હોવાના એટેન્ડન્ટ દ્વારા કરાયેલા સનસનીખેજ આક્ષેપથી મામલો વધુ ગરમાયો હતો. આ મામલે કલેકટરને આવેદન અપાયા બાદ આ તપાસ ગાંધીનગર સુધી પહોંચી ગઈ હતી. જેમાં આજે સવારે જી.જી. હોસ્પિટલના ડીન દ્વારા આ મામલે તટસ્થ તપાસ કરવાનું અને દોષી સામે કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ મામલો રાજ્ય સરકાર સુધી પહોંચતા રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે જી.જી.હોસ્પિટલ પ્રકરણ મામલે કડક તપાસના આદેશ આપ્યા હતાં અને આ તપાસ ત્રણ સભ્યોની કમિટી દ્વારા કરવામાં આવશે તેમજ કમિટી દ્વારા રજૂ કરાયેલા અહેવાલ બાદ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વધુમાં જણાવ્યું છે કે, જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કાર્યરત એટેન્ડન્ટ યુવતીઓ પાસે કરાયેલી અઘટિત માગણી અને જાતીય સતામણીના આક્ષેપો સંદર્ભેની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતાથી લઈને આ બનાવમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. કસૂરવાર સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ જામનગર કોવિડ હોસ્પિટલ કથિત જાતીય સતામણીકાંડના પડઘા ગાંધીનગરમાં પડ્યા
જે યુવતીઓ વાત ન માને તેને નોકરીમાંથી કાઢી દેવામાં આવતી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં જામનગર ખાતેની ઘટનાની જાણ થતાં ઘટના સંદર્ભે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રને સૂચનાઓ આપી ઘટનાના મૂળ સુધી પહોંચી ત્વરીત તપાસ કરવાના આદેશો કર્યા છે. આ માટે જિલ્લા કલેકટર અને આરોગ્ય કમિશનરને સૂચના આપી સ્થાનિક કક્ષાએ તપાસ સમિતિ નીમીને ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા જણાવ્યુ છે.
કમિટી જ ફરિયાદી બની ન્યાય અપાવેે તેવી માગ
આ તપાસ કમિટીમાં જામનગરના પ્રાંત અધિકારી, આસી. સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ અને મેડિકલ કોલેજના ડીનની નિમણૂક કરાઇ છે. આ કમિટી સમગ્ર બનાવની તપાસ કરી અહેવાલના આધારે કસૂરવારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરશે. જામનગર કલેકટર રવિશંકરે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જી.જી.હોસ્પિટલમાં એટેન્ડન્ટ સાથે થયેલી જાતીય સતામણીના મામલે ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવશે અને આ ત્રણ સભ્યોની કમિટી દ્વારા રજૂ કરાયેલા અહેવાલ બાદ કડક પગલાં લેવામાં આવશે. આ મામલે હાલ મેડીકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ અને એસડીએમ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
એક સુપરવાઈઝર સામે ગુનો નોંધાયેલો છે છતાં પણ ફરજ પર કેમ?
હાલ જામનગરની જી. જી.હોસ્પિટલનો મામલો ગાંધીનગર સુધી પહોંચી જતાં સનસનાટી મચી ગઇ છે અને આ મામલે રાજ્ય સરકારના આદેશ બાદ વહીવટીતંત્ર પણ હરકતમાં આવી ગયું છે. જાતીય સતામણીનો ભોગ બનેલી કર્મચારીઓએ આજે ડીન સમક્ષ નિવેદન આપ્યું હતું અને ડીને આ નિવેદન બાદ આગળની તપાસ હાથ ધરી હતી. જામનગરના ચકચારી આ પ્રકરણમાં રાજ્યના મુખ્યપ્રધાને પણ કલેકટર સાથે ચર્ચા કર્યા બાદ કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતાં.