- ટાઉનહોલ ખાતે જનરલ બોર્ડ મળી
- ત્રીજા સ્મશાન તેમજ ડીમોલેશન સહિતના મુદ્દે થયો હોબાળો
- ટીપી સ્કીમ 8 અને 9ના ઠરાવને સર્વાનુમતે મંજૂરી
જામનગરઃ શહેરમાં ટાઉનહોલ ખાતે જનરલ બોર્ડનું આયોજન કરાયું હતું. જેમાં ટીપી સ્કીમ અને સફાઈકામગીરી તેમજ ડિમોલેશન સહિતના મુદ્દે જનરલ બોર્ડમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. શાસકપક્ષ અને વિરોધપક્ષના નગરસેવકોએ પ્રશ્નોતરીમાં પણ ભાગ લીધો હતો અને શહેરનો સર્વાંગી વિકાસ કરવામાં આવે તે માટે વિવિધ મુદ્દે બહસ જોવા મળી હતી.
જનરલ બોર્ડમાં મુદા ઓછા અને માથાકૂટ વધુ જોવા મળી
જનરલ બોર્ડમાં ત્રીજા સ્મશાનનો મુદ્દો ગાજ્યો હતો. કોર્પોરેટર દેવસી આહીરે ફરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, તો શાસક પક્ષે ત્રીજા સ્મશાન મુદ્દે કોઈ બીજી જગ્યાએ સ્મશાન બનાવવાનું મન બનાવ્યું હોવાનું ડેપ્યુટી મેયરે જણાવ્યું છે. જનરલ બોર્ડમાં મુદા ઓછા અને માથાકૂટ વધુ જોવા મળી હતી. જો કે, વિરોધ પક્ષ અને શાસક પક્ષના તમામ નગરસેવકોએ ટીપી સ્કીમ 8 અને 9ના ઠરાવને સર્વાનુમતે મંજૂરી આપી છે.
જામનગરમાં જનરલ બોર્ડની બેઠક મળી ટીપી સ્કીમને લઈ વિરોધ પક્ષે શાસક પક્ષ પર પ્રહારો કર્યા
જામનગર શહેરમાં અન્ય મેગા સિટીની સરખામણીએ અત્યાર સુધીમાં ટીપી સ્કીમ 9 સુધી ચાલી રહી છે, ત્યારે વિરોધ પક્ષે શાસક પક્ષ પર પ્રહારો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજકોટ, વડોદરા, અમદાવાદ સહિતના મેગા સિટીમાં અત્યાર સુધીમાં ટીપી સ્કીમ 21 સુધીના કામો શરૂ કરવામાં આવ્યાં છે, ત્યારે જામનગર હજુ ટીપી સ્કીમ 9માં જ રમી રહ્યું છે.
ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા કોર્પોરેટરે રજૂઆત કરી
જામનગર મહાનગરપાલિકા દ્વારા બે દિવસ પહેલા ગેલેક્સી સિનેમા પાસે એક સાથે 16 જેટલી દુકાનોમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, તેના કોર્પોરેટર અસલમ ભાઈએ અન્ય જગ્યાએ થયેલા ગેરકાયદેસર બાંધકામોને પણ તોડી પાડવા માટે શાસક પક્ષને રજૂઆત કરી છે. સોમવારે સવારે 11:30 વાગ્યે યોજાયેલી જનરલ બોર્ડમાં તમામ નગરસેવકો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓએ ફરજિયાત માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવા સહિતના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.