જામનગરઃ ઉનાળામાં પાણીની તંગી થતા અનેક જગ્યાએ બેડા યુદ્ધ જોવા મળતા હોય છે. જો કે, જામનગરમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા રમેશભાઇ મોહનભાઈ નકુમ(ઉંમર વર્ષ 55) અને તેની પત્ની રમાભહેન રમેશભાઈ નકુમ પર પાડોશમાં રહેતા 2 લોકોએ અન્ય 2 લોકો સાથે મળીને હુમલો કર્યો હતો.
જામનગરમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનમાં પાણી મામલે બબાલ, પોલીસ ફરિયાદ નોંધાઇ
જામનગરમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના બિલ્ડિંગમાં મારામારીનો કસ્સો સામે આવ્યો છે. પાણી બાબતે પાડોશીએ દંપતિને માર માર્યો હતો. જે બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
શહેરમાં શરૂ સેક્શન રોડ પાસે આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનામાં પાડોસીઓ વચ્ચે પાણી ઢોળાવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જે બાદ મામલો બીચકાયો હતો. જેમાં ધોકા અને પાઇપ વડે હુમલો કરી દંપતીને ઇજા પહોંચાડી હતી. આ દંપતિને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
4 લોકોએ દંપતિ પર હુમલો કરતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સાથે ફરિયાદી રમાબહેનની કાનની બુટ્ટી પણ પાડોસીએ ખેંચી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ જી. જી. હોસ્પિટલમાં દંપતિ સારવાર હેઠળ છે. આ બાબતે દંપતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.