- જામનગર હાપા માર્કેટ યાર્ડની યોજાઈ ચૂંટણી
- પ્રવિણસિંહ ઝાલા અને જમન ભંડેરી બિન હરીફ ચૂંટાયા
- છેલ્લી પાંચ ટર્મથી યાર્ડના પ્રમુખ હતા રાઘવજી પટેલ
જામનગરઃખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઇને રાજકીય ક્ષેત્રમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજકીય લોબી સક્રિય બની હતી. આ ચૂંટણીને લઇને સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. હાપા માર્કેટ યાર્ડના ચેરમેન રાઘવજી પટેલ અને વાઈસ ચેરમેન તરીકે ધીરૂભાઇ કારીયાની મુદ્ત પૂર્ણ થતાં 8 જુલાઈએ યાર્ડ ખાતે ચૂંટણી યોજાઇ હતી. યાર્ડની ઓફિસ ખાતે યોજાયેલી ચૂંટણીમાં યાર્ડના ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં યાર્ડના ચેરમેન તરીકે પ્રવિણસિંહ ઝાલા તથા વાઈસ ચેરમેન તરીકે જમન ભંડેરીની વરણી કરવામાં આવી હતી.
હાપા યાર્ડના બીજી ટર્મના હોદેદારો માટે ચૂંટણી અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો હતો
જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (હાપા યાર્ડ)ના ચેરમેન અને વાઈસ ચેરમેનના હોદ્દાઓની અઢી વર્ષની સમય મર્યાદા પૂર્ણ થતાં નવા હોદ્દેદારોની વરણી કરવા માટે ગુજરાત ખેત ઉત્પન્ન બજારના નિયમો 1965ના નિયમન અન્વયે ચૂંટાયેલા અને નિયુક્ત સદસ્યોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં હાપા યાર્ડના બીજી ટર્મના હોદેદારો માટે ચૂંટણી અધિકારીએ 8 જુલાઈએ ચૂંટણી યોજવા પરિપત્ર જાહેર કર્યો હતો.
યાર્ડના રાજકારણમાં ગરમાવો
હાપા માર્કેટયાર્ડની ચુંટણીને લઈ છેલ્લા એકાદ અઠવાડીયાથી યાર્ડના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો હતો. ત્યારે 8 જુલાઈએ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી યાર્ડની બેઠકમાં કરવામાં આવી હતી. આ તકે રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે નવનિયુક્ત ચેરમેન પ્રવિણસિંહ ઝાલા તથા વાઈસ ચેરમેન જમન ભંડેરીની નિમણૂંક થતાં યાર્ડના સભ્યોએ આ નિમણૂંકને આવકારી બંને હોદ્દેદારોનો ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.