- જામનગરમાં કોરોનાના કેસમાં ઘટાડો
- શહેરમાં 2 જ્યારે જિલ્લામાં નવા 6 કેસ નોંધાયા
- જિલ્લામાં કોરોનાના કેસની કુલ સંખ્યા 9,682 થઈ
જામનગરઃ જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જી. જી. હોસ્પિટલમાં કોરોના દર્દીના મૃત્યુનાં મામલે ખુબજ રાહતના સમાચાર મળ્યા છે અને કોરોનાનો પ્રકોપ ઠંડો પડ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી, જેના કારણે જી જી હોસ્પિટલના વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઉપરાંત જામનગર જિલ્લામાં કોરોનાનો ગ્રાફ પણ સિંગલ ડીઝીટમાં આવી ગયો છે અને છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરના માત્ર 2 અને ગ્રામ્યના 6 સહિત જિલ્લામાં કુલ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે.
જી. જી. હોસ્પિટલમાંથી વધુ 90 દર્દીઓને રજા આપવામાં આવી
જામનગર શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે અને આંકડો સિંગલ ડીઝીટમાં આવી ગયો છે. જામનગર શહેરના માત્ર 2 કેસ નોંધાયા હોવાથી શહેરનો કુલ આંકડો 7,485 નો થયો છે. જ્યારે ગ્રામ્યમાં 6 પોઝિટિવ કેસ નોંધાતાં ગ્રામ્યનો કુલ આંક 2,197નો થયો છે. જ્યારે સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા કુલ 9,682 થઈ છે. જી. જી. હોસ્પિટલમાંથી જામનગર શહેરના 53 દર્દીઓ સ્વસ્થ થતાં રજા અપાઈ છે. જ્યારે ગ્રામ્યના 37 મળી કુલ 90 દર્દીઓને રજા આપવામાં આવી છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં 3 લાખથી વધુ કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા
જામનગર મહાનગર પાલિકા તેમજ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હસ્તક સમગ્ર જિલ્લાભરમાં અત્યાર સુધીમાં 3 લાખ 12 હજારથી વધુ કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 3,12,175 લોકોનું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં જામનગર શહેરના 1,65,643 જ્યારે જામનગર ગ્રામ્યનાં 1,46,532 લોકોનું પરીક્ષણ કરી લેવામા આવ્યું છે.