- ભારતીય બંધારણ લોકશાહીનું રક્ષક છે: ડૉ. રામ નિવાસ
- જામનગર ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી
- ચૂંટણી પંચ દ્વારા ઇ-એપિક લોન્ચ
જામનગર : જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના સભાખંડમાં પ્રિન્સીપલ કમિશનર ઓફ કસ્ટમ્સ(પ્રિવેન્ટીવ) ડૉ. રામ નિવાસની અધ્યક્ષતામાં 11માં 'રાષ્ટ્રીય મતદાતા દિવસ'ની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રેરક પ્રવચન કરતા ડૉ.રામનિવાસે ઇલેક્શનની કામગીરીમાં સહભાગી થનાર દરેક કર્મચારીને અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, ભારતીય બંધારણ લોકશાહીનું રક્ષક છે અને લોકશાહીને મજબૂત કરતી સંસ્થા ભારતીય ચૂંટણી પંચ છે. તેના સ્થાપના દિનને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ઓનલાઇન ચૂંટણી કાર્ડ જનરેટ કરવાની સુવિધા શરૂ
ભારતમાં પહેલી ચૂંટણીથી જ મહિલાઓની સ્થિતિને મજબૂત કરવા સાથે મહિલાઓને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે. આ સિસ્ટમને મજબૂત કરવા વહીવટમાં રહેલ નાનામાં નાના અધિકારીઓથી લઈ ઉચ્ચ પદે બિરાજતા દરેકનું યોગદાન છે. કલેક્ટરે ભારતીય ચૂંટણી પંચની કામગીરીથી લોકોને વધુ અવગત કર્યા હતા અને જનતા દ્વારા ચૂંટાયેલા લોકો લોકોના મત, ધારણા, વિચાર લઈને દેશને એક કરવાનો પ્રયાસ કરે તે માટેની ચૂંટણી પ્રક્રિયા ભારતીય ચૂંટણી પંચ દ્વારા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં કરી હંમેશા પ્રજાના અધિકારોની રક્ષા કરવામાં આવશે તેની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું કે, 25 જાન્યુઆરીના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઇન ચૂંટણી કાર્ડ જનરેટ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં nvsp.in, voterportal.eci.gov.in તથા VOTER HELPLINE એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લીકેશન મારફત ડાઉનલોડ કરી શકાશે.
૧૧માં 'રાષ્ટ્રીય મતદાતા દિવસ'ની જિલ્લા કક્ષાની ઉજવણી ચૂંટણી પંચ દ્વારા ઇ-એપિક લોન્ચ કરવામાં આવી: મોબાઇલમાં ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકાશે ચૂંટણી પંચ દ્વારા ઇ-એપિક લોન્ચ કરવામાં આવી છે. હવેથી મોબાઇલમાં ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. પ્રથમ તબક્કામાં છેલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ એટલે કે એસ.એસ.આર.૨૧ દરમિયાન નવા નોંધાયેલા મતદારો પૈકી જેમને ફોર્મ નં.૬ સાથે પોતાના મોબાઇલ નંબર રજીસ્ટર કરાવેલ હશે તેવા મતદારો પોતાના મોબાઇલ કે ડેસ્કટોપ ઉપર nvsp પોર્ટલનો ઉપયોગ કરીને ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરી શકશે. આ પ્રસંગે નવા મતદારોનું તથા ચુંટણીલક્ષી કામગીરી સારી કરનાર કર્મીઓનું પણ સન્માન કરાયું હતું. ઉપસ્થિત સૌએ એક જવાબદાર મતદાર તરીકે પોતાની ફરજ અદા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે પોલીસ અધિક્ષક દિપેન ભદ્રન, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, નાયબ વનસંરક્ષક(મરીન) આર.સેન્થીલ કુમારન, અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મીતા જોષી, પ્રાંત અધિકારી અક્ષય બુડાનિયા, આસ્થા ડાંગર, પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયા, નવા મતદારો, સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.