ઓમ ટ્રેનિંગ સેન્ટર દ્વારા છેલ્લા નવ વર્ષથી નવરાત્રીમાં દિવ્યાંગો અને માનસિક ક્ષતિવાળા બાળકો માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુરૂવારે પણ જામનગર શહેરના સાત રસ્તા નજીક આવેલ રંગતાળી ગ્રાઉન્ડ ખાતે ડીજેના સંગાથે અર્વાચીન દાંડિયાનું આયોજન માનસિક ક્ષતિવાળા દિવ્યાંગ બાળકો માટે કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ નવરાત્રિના ટ્રેડિશનલ જુદા જુદા કપડાં પહેરી અને નવરાત્રીના અવનવા રાસ રમી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. દિવ્યાંગ બાળકોને ઇનામો આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતાં.
જામનગરમાં 'બાય બાય નવરાત્રી' કાયક્રમ યોજાયો, દિવ્યાંગ બાળકોએ ગરબા રમી કરી માતાજીની આરાધના - જામનગર
જામનગર: શહેરમાં દિવ્યાંગો અને માનસિક ક્ષતિ વાળા બાળકોએ દાંડિયા રમી માઁની આરાધના કરી નવરાત્રીને વિદાય આપી હતી. જામનગર શહેરના રંગતાળી ગ્રાઉન્ડ ખાતે માનસિક ક્ષતિવાળા બાળકોના ઓમ ટ્રેનિંગ સેન્ટર દ્વારા દિવ્યાંગો માટે 'બાય બાય નવરાત્રી'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ઓમ ટ્રેનિંગ સેન્ટરના પચાસથી વધુ માનસિક ક્ષતિવાળા બાળકો અને અન્ય જુદા જુદા દિવ્યાંગ બાળકોએ પણ આ નવરાત્રીમાં ભાગ લઈ અઢીસો જેટલા દિવ્યાંગો ગ્રાઉન્ડમાં રમતા જોઈ એક હૃદયદ્રાવક માહોલ કાર્યક્રમ દરમિયાન જોવા મળ્યું હતું. વિના મુલ્યે યોજવામા આવેલા કાર્યક્રમમાં દાંડિયા રમી દિવ્યાંગ બાળકોએ પણ હોંશે હોંશે નવરાત્રીને વિદાય આપી હતી. જ્યારે કાર્યક્રમમાં સાધુ-સંતો અને શહેરના આગેવાનો તેમજ લોકો પણ મોટી સંખ્યામાં નિહાળવા આવી પહોંચ્યા હતાં.
જોકે નવરાત્રી દરમિયાન શરીરે સ્વસ્થ લોકોને તો આપણે ગ્રાઉન્ડમાં દાંડિયા રમતા જોતા હોઈએ છીએ...પરંતુ જેની સાથે કુદરતે પણ અન્યાય કર્યો હોય અને જે શરીરથી પણ દિવ્યાંગ તેમજ માનસિક ક્ષતિવાળા હોય તેવા બાળકોને પારંપરિક નવરાત્રિના પહેરવેશમાં ગરબે રમતા અને એ સમયે દિવ્યાંગોના મોહ પર છલકતા અનોખા સ્મિતને જોઈ ખરેખર માઁની આરાધના સાથે નવરાત્રીનો એક અદભૂત નજારો જોવા મળે છે.