- કોવિડની માઈક્રોબાયોલોજી લેબમાં કુલ 1,01,832 સેમ્પલનું થયું છે પરીક્ષણ
- જેમાંથી 5189 સેમ્પલ આવ્યાં છે પોઝિટિવ
- જામનગર જિલ્લાના 42072 નમુનાઓ માંથી 3677 પોઝિટિવ નમૂના
જામનગરઃ રાજ્યભરમાં સૌપ્રથમ અમદાવાદ અને જામનગરને ગુજરાત સરકાર દ્વારા કોવિડ ટેસ્ટ માટે માઈક્રોબાયોલોજી વિભાગને લેબોરેટરી શરૂ કરવાની મંજૂરી મળી હતી. જેથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં ૮.માર્ચ, ૨૦૨૦ના રોજ લેબ શરૂ થઈ હતી. ત્યારે કોવિડની માઈક્રોબાયોલોજી લેબમાં અત્યાર સુધીમાં 101832 કોરોનાના લક્ષણો ધરાવતા સૌરાષ્ટ્ર -કચ્છના વ્યક્તિઓના સેમ્પલનું પરીક્ષણ થયું છે. જેમાંથી 5189 સેમ્પલ પોઝિટિવ આવ્યાં છે. જેમાં જામનગર જિલ્લાના 42072 નમુનાઓ હતા. જે પેકી 3677 પોઝિટિવ નમૂના હતા.
રાજ્ય સરકારનો માન્યો આભાર
લેબમાં કોરોના ટેસ્ટ માટેના લાખો રૂપીયાના અદ્યતન સાધનો મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન દ્વારા ઉપલબ્ધ કરાવાયા હતા. તેમ એમ.પી.શાહ મેડીકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગના એસો.પ્રો.ડો. હિતેશ શિંગાડાએ જણાવ્યું હતું.
કોરોના સેમ્પલ ટેસ્ટિંગ માટે જરૂરી સાધનો રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવ્યાં
કોવિડ લેબના નોડલ ઓફિસર અને એસો.પ્રો.ડો. બીનીતા એરિંગએ જણાવ્યું હતું કે, અદ્યતન સાધનોથી સજ્જ લેબમાં ડોકટર્સ, સાયન્ટિસ્ટ, લેબ.ટેક્નિસીયન સહિતના 30 નો સ્ટાફ દિવસ રાત સેમ્પલ કલેકશન, તપાસથી લઇ રિપોર્ટિંગ સુધીની ફરજ છેલ્લા દસ માસથી બજાવી રહ્યા છે. અમને કોરોના સેમ્પલ ટેસ્ટિંગ માટે જરૂરી સાધનો, પીપીઈ કીટ પણ પૂરતા પ્રમાણમાં રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવે છે.