- ધ્રોલમાં 65 વર્ષના વૃદ્ધા એક જ ઓરડીમાં એકલવાયુ જીવન જીવતા
- રાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે વૃદ્ધાને છોડાવ્યા
- વૃદ્ધાને સુરત માનવ મંદિર આશ્રમ ખાતે ખસેડવામાં આવ્યા
રાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેની ટીમે વધુ એક માનવતા મહેકાવતું કાર્ય કર્યું છે. 4 જાન્યુઆરીના રોજ જલ્પાબેન પટેલ અને તેની ટીમ સાંજે સાત વાગ્યે ધ્રોલ પહોંચી હતી. ધ્રોલમાં 60 તોલા સોનું ત્રણ મકાન હોવા છતાં પણ કંચનબેન મગનભાઈ પીપળીયા નામના 65 વર્ષના વૃદ્ધા છેલ્લા 20 વર્ષથી એક જ ઓરડીમાં એકલવાયું જીવન જીવતા હતા. સાથી સેવા ગ્રુપે ઓરડીમાં જોયું તો કંચનબેન નિર્વસ્ત્ર હાલતમાં જોવા મળ્યા હતા. બહાર કાઢ્યા તો તેના વાળ 8 ફૂટ જેટલા વધી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
કંચનબેનના વાળ કાપી નવડાવી નવા વસ્ત્રો પહેરાવ્યા
સૌપ્રથમ સાથી સેવા ગ્રુપ કંચનબેનને બહાર કાઢી ભજીયા ખવડાવ્યા હતા. બાદમાં તેના વાળ કાપવામાં આવ્યા હતા. તેમજ નવા વસ્ત્રો પહેરાવ્યા હતા. સેવા ગ્રુપની કામગીરીથી પાડોશમાં રહેતા લોકો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. બાદમાં સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલે કંચનબેનના ભત્રીજાનો ફોનથી સંપર્ક કર્યો હતો.જોકે, વૃદ્ધાને સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કર્યો હતો. આથી જલ્પાબેન સુરત માનવ મંદિર આશ્રમ નો સંપર્ક કરતાં અહીં મોકલી દેવા જણાવ્યું હતું. આથી જલ્પાબેને બીજા દિવસે વૃદ્ધાને સુરત ખાતે મોકલી દીધા હતા.