- સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરતા યુવકને પોલીસકર્મીઓએ માર માર્યો હતો
- 6 વર્ષ પહેલા બની હતી ઘટના
- પોલીસ સ્ટેશનના અધિકારી અને પોલીસકર્મીઓ વિરૂદ્ધ ગુનો નોંધવાનો અદાલત દ્વારા આદેશ કરાયો
જામનગરઃ જિલ્લાના કાલાવડમાં રહેતા અને વકીલાતનો અભ્યાસ કરતા યુવાનની સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાવવાના પ્રકરણમાં પોલીસે અટકાયત કરી હતી. યુવાન અને તેના પરિવારદનોને માર માર્યાની ઘટનામાં પોલીસ સ્ટેશનના અધિકારીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. કાલાવડમાં રહેતા અને વકીલાતનો અભ્યાસ કરતા અફઝલ તૈયબભાઈ દોઢીયા નામનો યુવાનને ગત તારીખ 12/9/2015 ના દિવસે જામનગરની અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન તેણે જુદા જુદા 12 પોલીસ કર્મચારીઓ દ્વારા પોતાને તારીખ 10/9/2015 ના રોજ કાલાવડ પોલીસ સ્ટેશનના PSI બાંટવા, પોલીસ કોન્સ્ટેબલ ગૌતમ મકવાણા, ડી સ્ટાફના શૈલેન્દ્રસિંહ વગેરેએ તેના ઘરે અપશબ્દો બોલી મારકૂટ કરી હતી અને 50 હજાર રૂપિયાની માગણી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.
50 હજાર રૂપિયાની કરી હતી માગણી
આ ઉપરાંત પોતાને અને પોતાના પરિવારને માર મારી સૌપ્રથમ કાલાવડ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને ત્યાંથી રાત્રિના કાલાવડના માટલી ગામે લઈ જઈ જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસના PSI ચૌધરી અને સ્ટાફને સોંપી આપ્યો હતો. ત્યાં 50 હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી, જે રૂપિયા આપવાની ના પાડતા PSI ચૌધરીની ચેમ્બરમાં અફઝલના બન્ને હાથ પાછળ હાથકડીથી બાંધી ઈલેકટ્રીક શોક આપી માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત ગુપ્તભાગમાં પણ ઇલેકટ્રીક શોક આપ્યા હતાં.