ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે પહેલી વખત યુવા મોડેલ એસેમ્બ્લીનું આયોજન (Youth Model Assembly in Gujarat Assembly) કરવામાં આવ્યું છે. એટલે કે, આજે યુવાનો ગુજરાત વિધાનસભાની કાર્યવાહી ચલાવશે. ત્યારે આ કાર્યક્રમના પ્રારંભ દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેવા વિવિધ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ આવ્યા છે. ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યૂરોના ઉપક્રમે 'યુવા મોડેલ એસેમ્બલી'નું આયોજન કરાયું છે.
CMએ યુવાનોને કર્યા પ્રોત્સાહિત -મુખ્યપ્રધાને યુવાનોને સંબોધતા કહ્યું હતું કે, આજના યુવાનોમાં પથ્થરમાંથી પાણી કાઢવાની શક્તિ છે. એટલે આપણા દેશનું ભવિષ્ય તમારા હાથમાં ખૂબ જ સુરક્ષિત છે. આજની આ વિધાનસભા રાજકીય નહીં પણ સામાજિક બની રહેશે.