- CM Rupaniને 7 ઓગષ્ટે પાંચ વર્ષ થશે પૂર્ણ
- 5 વર્ષના કાર્યો અને સિદ્ધીઓને પ્રજા સમક્ષ લઈ જવાશે
- રૂપાણી વડાપ્રધાન મોદીના વિકાસની કેડીએ ચાલ્યા છે
અમદાવાદ : વિજય રમણીકલાલ રૂપાણી (CM Vijay Rupani) એ 7 ઓગષ્ટ, 2016ના રોજ 16માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. આગામી 7 ઓગસ્ટે તેમનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. તાજેતરમાં જ ગાંધીનગર (Gandhinagar) માં આ મુદ્દાની ચર્ચા કરવા માટે કેબિનેટની બેઠક પછી ખાસ બેઠક મળી હતી. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા, સૌરભ પટેલ અને પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં 5 વર્ષના કાર્યકાળને પ્રજા સમક્ષ લઈ જવા માટે ઉજવણી કરાશે, તેવું નક્કી થયું હોવાનું જાણવા મળે છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રદેશ કારોબારીની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે, 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની આગેવાનીમાં જ્યારે રાજ્યમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની આગેવાનીમાં લડાશે. એટલે કે 2022માં ગુજરાત વિધાનસભામાં ભાજપના મુખ્યપ્રધાનનો ચહેરો વિજય રૂપાણી જ હશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં સંવેદનશીલ સરકાર આપી છે. જેમણે સરકારના દરેક વિભાગમાં અંગત રસ લઈને કાર્ય કર્યું છે. ગુજરાતના વિકાસને વેગવંતો બનાવ્યો છે. સો વર્ષમાં એક વખત મહામારી આવે જ છે આ વર્ષે કોરોના જેવી મહામારીમાં મુખ્યપ્રધાને ઉત્તમ કામગીરી કરી છે. મુખ્ય પ્રધાન સમક્ષ જે પણ સંવેદનશીલ મુદ્દો મૂકવામાં આવ્યો છે, તેનું તેમને નિરાકરણ લાવ્યું છે. ગુજરાતને સબળ નેતૃત્વ પૂરું પાડ્યું છે. - યમલ વ્યાસ, પ્રદેશ પ્રવક્તા, ભાજપ
રૂપાણી RSSના આદર્શોને વરેલા છે
વિજય રૂપાણી (Vijay Rupani) માત્ર 24 વર્ષની નાની વયે રાજકારણમાં આવ્યા અને ભાજપ (BJP) માં જોડાયા હતા. 1976માં ભૂજ અને ભાવનગરની જેલમાં એક વર્ષ માટે ‘મીસા’ હેઠળ જેલવાસ ભોગવ્યો હતો. કટોકટી દરમિયાન તેઓ લોકઆંદોલનમાં જોડાયા હતા. કોર્પોરેટર તરીકે કારકિર્દીની શરૂઆત કરનારા વિજય રૂપાણી મુખ્યપ્રધાન સુધીના પદે પહોંચ્યા છે. તેઓ લૉ-પ્રોફાઈલ રહેવાનું વધુ પસંદ કરે છે. બાળપણથી વિજય રૂપાણી RSSના આદર્શોને વરેલા રહ્યા છે. જેઓ સહેલાઈથી જવાબદારી ઉપાડી લે છે અને પડકારોનો સામનો કરવાની તેમની હિંમત દાદ માંગી લે તેવી છે. વિજય રૂપાણી જૈન પરિવારમાંથી આવે છે. જેથી વિનમ્રતા અને સાલસતા તેમના ઉછેરમાં મળી છે. તેમનો જન્મ બર્માના રંગુન શહેરમાં થયો હતો, પણ તેમનો ઉછેર રાજકોટમાં થયો હતો અને કારકિર્દીનું ઘડતર પણ રાજકોટમાં થયું છે.
આ પણ વાંચો -'આગામી મુખ્યપ્રધાન પાટીદાર હોવા જોઈએ', જાણો નરેશ પટેલના આ નિવેદન બાદ શું થયું ?
5 વર્ષની ટર્મ પૂરી કરનારા ત્રીજા મુખ્યપ્રધાન
પત્રકારમાંથી મુખ્યપ્રધાન બનેલા કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકી 7 જૂન 1980થી 10 માર્ચ 1985 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે રહ્યા હતા. તેમણે 5 વર્ષ અને 29 દિવસ સુધી ગુજરાતના મુખ્યપ્રધાનનો કાર્યભાર સંભાળ્યો હતો અને ત્યારબાદ તેમણે 10 ડિસેમ્બર 1989થી 3 માર્ચ 1990 દરમિયાન 83 દિવસ સુધી મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી. માધવસિંહ સોલંકી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હાલના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે સતત 5 વર્ષ પૂર્ણ કરનારા ત્રીજા મુખ્યપ્રધાન બનશે.
મંદી, મોંઘવારી અને મહામારીમાં સરકારના મુખ્યપ્રધાન તરીકે ફરજ બજાવતા વિજય રૂપાણીએ 5 વર્ષમાં લોકોને પરેશાની સિવાય બીજું કંઈ આપ્યું જ નથી. ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની તમામ વસ્તુઓ ખાડે ગયેલી છે. નવી પરિસ્થિતિમાં ધન્વન્તરી હોસ્પિટલના નિર્માણ માટે દેશના ગૃહપ્રધાનની રાહ જોવી પડે તે ગુજરાતની કમનસીબી કહી શકાય છે. જ્યારે ગુજરાતની જનતા મરવા પડી હોય અને તે સમયે રાહ જોવી તે દુર્ભાગ્યપૂર્ણ વાત છે. જ્યારે બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત સરકાર પોતાની તિજોરીમાંથી પેટ્રોલ-ડીઝલમાં શા માટે ગુજરાતની જનતાને રાહત થાય તે પ્રકારના નિર્ણય કરી નથી ? જેનો સીધો અર્થ છે કે, ગુજરાતની જનતાને 5 વર્ષમાં વિજય રૂપાણીએ માત્ર લોલીપોપ સિવાય બીજું કંઈ જ આપ્યું નથી. -અમિત ચાવડા, પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસ
કોરોનાની પહેલી લહેરમાં રૂપાણીનું કામ શ્રેષ્ઠ રહ્યું
વિજય રૂપાણીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જે કેડીને કંડારીને ગયા છે, તે વિકાસની કેડી પર ચાલ્યા છે. ‘સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ’ આ સૂત્ર તેમણે જીવનમાં ઉતાર્યું છે. કોરોના કાળમાં સૌથી વધુ પરીક્ષા રૂપાણીની થઈ છે. કોરોનાની પ્રથમ લહેરમાં સરકારે આરોગ્ય ક્ષેત્રે ખૂબ સારુ કામ કર્યું હતું, પરંતુ બીજી લહેરમાં સરકારની આરોગ્ય ક્ષેત્રે ખૂબ ટીકા થઈ, હોસ્પિટલો ફુલ, 108નું 28 કલાકનું વેઈટિંગ, ઓક્સિજનની અછત જેવી સમસ્યાને કારણે પ્રજાનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. સરકાર આ સુવિધાઓ ઉભી કરવામાં ખૂબ મોડી પડી હતી,. જેને કારણે અનેક દર્દીઓના મોત પણ થયા હતા. જોકે, તેની સામે ત્રીજી લહેર આવવાની છે. જેના માટે આગોતરૂ આયોજન કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો -વસ્તી નિયંત્રણ, ત્રિપલ તલાક, લવ જેહાદ અને ધર્મ પરિવર્તન કાયદો ભાજપને ચૂંટણીમાં કેટલો ફાયદો અપાવશે?