- રાજ્યના નવા મુખ્યપ્રધાન પાછળ નીતિન પટેલ નારાજ
- કોર કમિટીમાં કર્યો હતો વિરોધ
- બીજી વખત નીતિન પટેલના હાથમાંથી મુખ્યપ્રધાનની ખુરશી ગઈ
ગાંધીનગર : કમલમ ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠક મળે તે પહેલા ભાજપમાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં નીતિન પટેલ, સી.આર પાટીલ, ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ, વિજય રૂપાણી જેવા નેતાઓ કોર કમિટીની બેઠકમાં હાજર રહ્યા હતા, ત્યારે કોર કમિટીમાં નવા મુખ્યપ્રધાન તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની જાહેરાત કરાતા નીતિન પટેલે પણ વિરોધ કર્યો હોવાની માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઇ રહી છે. જ્યારે ધારાસભ્યોની બેઠકમાં પણ નીતિન પટેલ નારાજ હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
વર્ષ 2017માં પણ આવી બની હતી ઘટના
વર્ષ 2017ની ચૂંટણીમાં પણ મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલનું નામ અગ્રેસર હતું, પરંતુ અચાનક જ મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેથી નીતિનભાઈને માઠું લાગ્યું હતું અને કેબિનેટ બેઠકમાં પણ તેઓ હાજર રહ્યા ન હતા. ત્યારબાદ તેઓએ ખાતાની ફાળવણી બાબતે પણ નારાજગી દર્શાવી હતી અને આખો દિવસ પોતાના નિવાસસ્થાને બેસીને ભાજપના જ અગ્રણી નેતાઓનો વિરોધ કર્યો હતો અને ત્યારબાદ મોડી રાત્રે તેમને નાણાખાતું ફાળવીને તેમનો અસંતોષ દૂર કર્યો હતો.