- નાણા પ્રધાન નીતિન પટેલે રજૂ કર્યું બજેટ
- ગત્ત વર્ષ કરતા આ વર્ષે વધુ રૂપિયાની ફાળવણી
- અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ
ગાંધીનગરઃ ગુજરાતના નાણા પ્રધાન નીતિન પટેલે નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર આજે એટલે કે બુધવારે રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રો માટે જાહેરાત કરવામાં આવી છે. નાણા પ્રધાને રાજ્યના વિકાસની કવિતા સાથે બજેટ વાંચવાની શરૂઆત કરી હતી. આ વર્ષનું બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. આ વર્ષે સરકારે બજેટ 2021-22માં કોઈપણ નવા વેરાનો વધારો કર્યો નથી.
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ રૂપિયા 3511 કરોડની જોગવાઇ
- સશક્ત મહિલા સુપોષિત ગુજરાતના અભિગમ સાથે રાજ્યમાં 53,000થી વધુ આંગણવાડીઓ મારફત અંદાજીત 60 લાખ બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને પૂરક પોષણ અને આરોગ્ય શિક્ષણનો લાભ આપવામાં આવે છે.
- પૂરક પોષણ યોજનાઓ માટે રૂપિયા 938 કરોડની જોગવાઈ
- ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ અંદાજીત 8 લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા રૂપિયા 700 કરોડની જોગવાઇ
- રાજ્યની 15થી 18 વર્ષની 11,76,000 કિશોરીઓને લાભ આપવા માટે પૂર્ણા યોજના અંતર્ગત રૂપિયા 220 કરોડની જોગવાઈ
- વિકાસશીલ તાલુકાઓ અને આદિજાતિ વિસ્તારના મળી કુલ 83 તાલુકામાં આંગણવાડી લાભાર્થીઓને ફ્લેવર્ડ દૂધ પૂરું પાડવા માટેની દૂધ સંજીવની યોજના અંતર્ગત રૂપિયા 136 કરોડની જોગવાઈ
- 6 માસથી 3 વર્ષના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા પ્રાયોગિક ધોરણે ડાંગ, દાહોદ, નર્મદા, દ્વારકા અને ભાવનગર જિલ્લામાં આયર્વેદિક ઔષધિઓના ઉપયોગનું આયોજન છે. જે માટે રૂપિયા 9 કરોડની જોગવાઇ
- નવી શિક્ષણ નીતિ-2020 અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ સુદ્રઢ કરવા અને આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા 16 લાખથી વધુ બાળકોનો ગુણવત્તાયુક્ત વિકાસ માટે પા પા પગલી યોજનાનું આયોજન કરવામાં આવી છે. જે માટે રૂપિયા 5 કરોડની જોગવાઈ
- સામાજિક ઉત્થાનના પ્રયાસ રૂપે પુનર્લગ્ન કરનારી વિધવા મહિલા ગૌરવ સાથે સન્માનિત જીવન નવેસરથી શરૂ કરી શકે તે માટે લાભાર્થી દીઠ રૂપિયા 50 હજારની સહાય કરવામાં આવશે. આ ગંગા સ્વરૂપા પુન:લગ્ન સહાય યોજના માટે રૂપિયા 3 કરોડની જોગવાઈ