- કેતન ઇનામદારે કહ્યું, પાર્ટીનો આદેશ હશે તેને માન્ય રાખીશું
- 112 ધારસભ્યો ગાંધીનગર પહોંચ્યા
- MLA ક્વાર્ટર્સ પર સવારથી જ ચહલ પહલ
ગાંધીનગર: ગુજરાતના મુખ્યપ્રધાન બદલાતાની સાથે જ રાજકીય ઊથલપાથલ શરૂ થઈ ગઈ છે. આજ સાંજ સુધીમાં પ્રધાનઓના નવા નામો પણ સામે આવી શકે છે. જેને જોતા આજે તમામ ધારાસભ્યોને ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા છે જેમાં એમ.એલ.એ ક્વાર્ટર ખાતે પણ મોટી સંખ્યામાં ધારાસભ્ય સવારથી જ આવી પહોંચ્યા હતા. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, પ્રધાનમંડળ દ્વારા આદેશ કરવામાં આવશે તે યોગ્ય હશે અને તેને સ્વીકારીશું.
તમામ જ્ઞાતિ, તમામ ઝોનને ધ્યાનમાં રાખી જ નિર્ણય કરશે
શું તમારું નામ પ્રધાન મંડળમાં ચર્ચામાં છે? આ વાતના જવાબમાં તેમણે જણાવ્યુ કે, આ બધુ તમારા માધ્યમથી જ મને જાણવા મળ્યું છે પરંતુ મોવડી મંડળ જે કંઈ પણ નક્કી કરશે એ સારું જ હશે. અમારી પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ સાથે આગળ વધવા માંગે છે. જેથી તમામ જ્ઞાતિ, તમામ ઝોનને ધ્યાનમાં રાખી જ કરશે. અમારું કામ પાર્ટીનો આદેશ સ્વીકારવાનું છે અમને 10 વાગે અહીં પહોંચવા માટે કહ્યું હતું અને અમે આ આદેશને માનીને પહોંચી ગયા છે. અમારી પાર્ટીના દરેક નેતાઓ પાર્ટીના આદેશને મનાય રાખે જ છે.
પાર્ટીના ધારાસભ્યોને પણ સરપ્રાઈઝ પ્રધાન મંડળમાં સ્થાન મળે તેવી આશા
પ્રધાનમંડળમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે તેને જોતા આજે જ પ્રધાનમંડળનું નવું લિસ્ટ જાહેર કરવામાં આવશે. જેને ધ્યાનમાં રાખી દરેક ધારાસભ્યને અહીં બોલાવવામાં આવ્યા છે. જેથી ધારાસભ્યના મનમાં પણ કેટલીક એવી આશા છે કે તેમને પણ પ્રધાનમંડળમાં સ્થાન મળશે. કેમ કે જેવી રીતે ભુપેન્દ્ર પટેલનું નામ મુખ્યપ્રધાન તરીકે અચાનક સામે આવતા સૌ કોઇને આશ્ચર્ય થયુ હતું તેવી જ રીતે ધારાસભ્યનું પણ માનવું છે કે તેમાંથી કોઈ પણને ખાતું સોંપવામાં આવી શકે છે. જેથી પ્રધાનો પણ તેને લઈને આશા રાખીને બેઠા છે.