- રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદની ઘટ
- ખેડૂતોના ઉભા પાકને બચાવવા સરકારનો નિર્ણય
- 5 લાખ હેકટર જમીનને મળશે સિંચાઇનો લાભ
ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જળસંપત્તિ વિભાગને આદેશો આપ્યા છે કે, રાજ્યના જળાશયોમાં આગામી 30 સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને બાકી રહેતો પાણીનો જથ્થો ધરતીપુત્રોના ઊભા પાકને બચાવવા સિંચાઇ માટે તાત્કાલિક અસરથી છોડવામાં આવે છે. 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના જળાશયોમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખ્યા બાદ ખેડૂતોને સિંચાઇ માટે પાણી અપાશે. તેનો લાભ સમગ્રતયા રાજ્યના 5 લાખ હેકટર જમીન વિસ્તારને મળતો થશે.
સૌરાષ્ટ્રમાં પાણીની અછત
સૌરાષ્ટ્ર વિસ્તારના 141 ડેમ પૈકી 88 જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી અપાતા સૌરાષ્ટ્ર વિસ્તારની 60 હજાર હેકટર જમીનને તેમજ ઉત્તર ગુજરાતમાં ધરોઇ ડેમનું પાણી 15 હજાર હેકટરને સિંચાઇ માટે મળતું થવાનું છે, એટલું જ નહિ, મધ્ય ગુજરાતના કડાણા જળાશયમાંથી મહિ કમાન્ડને 6 હજાર કયુસેક પાણી સિંચાઇ માટે પૂરૂં પાડવામાં આવશે. આ ઉપરાંત પાનમ સહિતના 11 જળાશયોમાંથી 2 લાખ 1 હજાર હેકટરને સિંચાઇ માટે પાણી અપાશે. દક્ષિણ ગુજરાત વિસ્તારના 6 જળાશયોમાંથી આપવામાં આવનારા પાણીથી આ વિસ્તારની 1 લાખ 90 હજાર હેકટર જમીનને સિંચાઇ સવલતનો ફાયદો થશે.