- ગાંધીનગર મ.ન.પા. દ્વારા 2.82 લાખ લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક રખાયો
- પ્રથમ ડૉઝ મેળવનાર અને બીજો ડૉઝ મેળવનારા લોકોના આંકડામાં મોટો તફાવત
- વેક્સિનના અભાવે 60 હજારથી પણ ઓછા લોકોએ વેક્સિનનો બીજો ડૉઝ મેળવ્યો
ગાંધીનગર : કોર્પોરેશન (GMC) વિસ્તારમાં રહેતા 5 લાખથી વધારે લોકો પૈકી અત્યાર સુધી 18 વર્ષથી વધુ ઉંમરના 2,33,357 લોકોને વેક્સિનનો પ્રથમ ડૉઝ (First Dose Of Vaccine) અપાયો છે. જ્યારે 59,199 લોકોને વેક્સિનનો બીજો ડૉઝ (Second Dose Of Vaccine) અપાયો છે. GMC દ્વારા 2,82,000 લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક છે, પરંતુ જ્યાં સુધી આ તમામ લોકોને વેક્સિનના બન્ને ડૉઝ ન આપી દેવામાં આવે ત્યાં સુધી લક્ષ્યાંક પૂરો થયો તેમ કહી શકાય નહીં. ત્યારે પ્રથમ ડૉઝ અને બીજા ડૉઝ મેળવનારા લોકોના આંકડાઓ વચ્ચેના આ મસમોટા તફાવતથી લક્ષ્યાંક પૂરો થશે કે કેમ? તેના પર શંકાના વાદળો ઘેરાયા છે.
વેક્સિનના અભાવે લોકોને પડી રહી છે હાલાકી
GMC દ્વારા 2.82 લાખ લોકોને વેક્સિનેટ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, પરંતુ પ્રથમ ડૉઝ મેળવ્યા બાદ મોટા ભાગના લોકોને બીજો ડૉઝ મેળવવામાં હાલાકી પડી રહી હોવાથી આ ટાર્ગેટ પૂરો થશે કે કેમ? તે અંગે તર્કો વિતર્કો સર્જાયા છે. આ વચ્ચે પાટનગરમાં આવેલા વિવિધ સેન્ટર્સ પર હાલમાં વેક્સિન ન મળી રહી હોવાથી લોકોને ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે. જેના કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. એક બાજુ લોકો વેક્સિનેશન સેન્ટર (Vaccination Center) પર વેક્સિન લેવા માટે કલાકો રાહ જૂએ છે. ત્યારે બીજી બાજુ કલાકો સુધી રાહ જોયા બાદ વેક્સિન ન મળતા નિરાશ થઈને પરત ફરવું પડે છે.
પાટનગરમાં કોર્પોરેશનની ચૂંટણી અગાઉ વેક્સિનેશનની ગતિ મંદ પ્રથમ ડૉઝના આંકડાઓ પ્રમાણે કરાઈ રહ્યા છે દાવા
GMCની ચૂંટણીના ભણકારા કોરોનાની બીજી લહેર બાદ સંભળાઈ રહ્યા છે ત્યારે મ.ન.પા. સમાવિષ્ટ વિસ્તારોમાં વેક્સિનેશન ડ્રાઈવ (Vaccination Drive) ધીમી પડી છે. આ અંગે મેડિકલ ઓફિસર કલ્પેશ ગૌસ્વામીએ કહ્યું કે, આ પહેલા કોર્પોરેશને 80 ટકા લોકોને વેક્સિનનો પ્રથમ ડૉઝ (First Dose Of Vaccine) આપી દીધો છે. જ્યારે બીજો ડોઝ હજુ સુધી માત્ર 25 ટકા લોકોને જ અપાયો છે. જોકે, આગામી સપ્ટેમ્બરમાં કોર્પોરેશનની ચૂંટણી યોજાય તે પ્રકારની પૂરી શક્યતા છે. જ્યારે, કોર્પોરેશનનું કહેવું છે કે અમે 80 ટકા લોકોને વેક્સિન આપી દીધી છે. કોર્પોરેશન દ્વારા આ દાવો પ્રથમ ડૉઝના આંકડાઓના આધારે કરવામાં આવી રહ્યો છે.
ચૂંટણી પહેલા વેક્સિનેશન ડ્રાઈવ ઝડપી કરવી જરૂરી
આગામી સપ્ટેમ્બરમાં GMCની ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે, આ વચ્ચે પાટનગરમાં વેક્સિનેશન ડ્રાઈવ (Vaccination Drive) ઝડપી બનાવવી જરૂરી છે. જોકે, ચૂંટણીનો સમય નજીક આવતાની સાથે જ વેક્સિનેશનની કામગીરી ધીમી પડી રહી છે. મેડિકલ ઓફિસર કલ્પેશ ગોસ્વામીના કહ્યા મુજબ, "59,199 લોકોને વેક્સિનનો બીજો ડોઝ અપાયો છે કોર્પોરેશનની કુલ વસતી અંદાજે 5 લાખ છે." વેક્સિનનો પ્રથમ ડૉઝ મેળવનારા અને બીજો ડૉઝ મેળવનારા લોકોના આંકડા સરખાવવામાં આવે તો વેક્સિનનો બીજો ડૉઝ મેળવવામાં લોકોને હાલાકી પડી રહી હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે.
સૌથી મોટા વિસ્તારમાં જ વેક્સિનની અછત સર્જાય છે
GMCમાં સમાવિષ્ટ વિસ્તારોમાં કુડાસણ સૌથી મોટો વિસ્તાર છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah) કુડાસણ ખાતેના વેક્સિનેસન સેન્ટર (Vaccination Center) પર આવ્યા હતા અને લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. સૌથી મોટા વોર્ડ અને વસતી ધરાવતા આ વિસ્તારમાં જ વેક્સિનેશન સેન્ટર (Vaccination Center) બંધ હાલતમાં છે. સૌથી વધુ વસતી હોવાથી અહીં વેક્સિન લેવા માટે 200થી પણ વધુ લોકોની લાઈનો લાગતી હતી પરંતુ અત્યારે લોકો ધરમ ધક્કા ખાઇ રહ્યા છે. મેડિકલ ઓફિસર કલ્પેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, કુડાસણ વિસ્તારમાં 60થી 65 ટકા લોકોએ વેક્સિન મેળવી લીધી છે.