ગાંધીનગરઃ દેશમાં 400 રેલવે સ્ટેશનો પર પ્લાસ્ટિકની જગ્યાએ ચા જેવા પીણાને માટીના વાસણમાં આપવાનો આરંભ કરવામાં આવ્યો છે. વર્ષ 2022 સુધીમાં દેશના તમામ રેલવે સ્ટેશન પર ખાણીપીણી માટે પ્લાસ્ટિકની જગ્યાએ માટીના વાસણોનો ઉપયોગ કરવામાં આવશે. આથી દેશનો કોઈ પણ કુંભારી કામ કરતો વ્યક્તિ બેરોજગાર નહીં રહે. આ ઉદ્દેશ સાથે ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિદ્યુત ચાક વિતરણ સમારંભનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં 200 વિદ્યુત ચાક આપવામાં આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહપ્રધાને વીડિયો કોન્ફરન્સથી 200 કુંભારને વિદ્યુત ચાકનું વિતરણ કર્યું
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બુધવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિદ્યુત ચાક વિતર સમારંભનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં 200 કુંભારને વિદ્યુત ચાક આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમિત શાહે માટીના વાસણોનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું. વર્ષ 2022 સુધીમાં દેશના તમામ રેલવે સ્ટેશન પર ખાણીપીણી માટે પ્લાસ્ટિકની જગ્યાએ માટીના વાસણોનો ઉપયોગ કરવામાં આવશે. આથી દેશનો કોઈ પણ કુંભાર બેરોજગાર નહીં રહે.
ગાંધીનગર જિલ્લાના રાંધેજા અને અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી યોજાયેલા સમારંભનો પ્રારંભ કરાવતા અમિત શાહે જણાવ્યું કે, પંડિત દિનદયાળજી કહેતા હતા કે, ગરીબના ઘરમાં દીવો પ્રગટાવો કે તેને રોજગારી આપવા જેવું મોટું અને ઉમદા કાર્ય કોઈ નથી. આજે 200 જેટલા વિદ્યુત ચાક મેળવનારા કુંભારી કામ કરતા પરિવારના જીવનને નવી દિશા મળશે. સ્ટિલ અને અન્ય વાસણો આવતા માટીના વાસણોનો વપરાશ ઘટવા લાગ્યો હતો. પરંતુ હવે, પર્યાવરણ અંગેની જાગૃતિ આવતા પ્લાસ્ટિકનો વપરાશ લોકો સ્વંયભૂ ઓછો કરી રહ્યા છે. તેમજ ફ્રીજના ઠંડા પાણીની જગ્યા સ્વાસ્થ્ય માટે લાભદાયી એવા માટીના માટલા-કુંજ પાછા લઈ રહ્યા છે.
કુંભાર સશક્તિકરણ યોજના અંતર્ગત આજે ગાંધીનગર જિલ્લાના રાંધેજા, બાલવા, ધેધુ, માણસા, સરઢવ, રુપાલ, નારદીપુર, ધમાસણા, વાવોલ, શેરથા, વાસણિયા મહાદેવ, આમજા, અડાલજ, રામનગર મળી કુલ- 15 ગામોમાં વિધુત ચાકનું વિતરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લાના પાંચ ગામ અને ગાંધીનગર જિલ્લાના 15 ગામ મળી 20 ગામના 200 કુંભાર પરિવારોને આ વિધુત ચાક આપવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લાનો રાંધેજા ગામમાં યોજાયેલ કાર્યક્રમમાં પ્રજાપતિ કુંભાર પરિવારના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.