વિધાનસભાની પેટાચૂંટણીમાં બેરોજગાર સમિતિના સભ્યો ઉમેદવારી નોંધાવશે : દિનેશ બાંભણીયા
રાજ્યમાં બેરોજગારોની સંખ્યા દિવસે-દિવસે વધતી જઈ રહી છે ત્યારે પાટીદાર આંદોલનના ચહેરા એવા દિનેશ બાંભણીયા હવે બેરોજગારી આંદોલન ચલાવી રહ્યાં છે. આવનારા સમયમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં તેઓ ઉમેદવારી નોંધાવશે અને સરકારનો વિરોધ કરવાની પણ ચીમકી આપી હતી.દિનેશ બામણીયા પોતે મોરબી બેઠક પરથી અને અન્ય બેઠકો પરથી વિદ્યાર્થી આગેવાનો ચૂંટણી ઉમેદવારીપત્ર ભરશે. ચૂંટણી પ્રચાર માટે બેરોજગાર સંઘર્ષ સમિતિએ પેમ્ફલેટ અને સ્ટિકર બનાવીને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
ગાંધીનગર : દિનેશ બાંભણીયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પાસે અનેક વખત રજૂઆત કરી છે જ્યારે સરકાર સાથે અનેક બેઠકો પણ કરી પરંતુ શિક્ષિત બેરોજગારોને હજી સુધી ન્યાય નથી મળી રહ્યો. સરકારી નોકરી કરી હોવા છતાં પણ નિમણૂકપત્ર નથી મળ્યાં. જ્યારે અન્ય જે પરીક્ષાઓ છે તે પરીક્ષાઓની તારીખ પણ જાહેર કરવામાં નથી આવી. આમ આ મુદ્દે હવે સરકારનો વિરોધ કરવા માટે આગામી સમયમાં આવી રહેલી પાંચ વિધાનસભાની પેટાચૂંટણીમાં બેરોજગાર સંઘર્ષ સમિતિના સભ્યો તમામ બેઠકો ઉપર ઉમેદવારી નોંધાવશે.