ગાંધીનગરઃ સુરત અને નર્મદા જિલ્લાના 73 આદિજાતિ ગામોને બારમાસી સિંચાઈ સુવિધા મળશે. આ ગામોની 53,700 એકર જમીનને ઉદવહન સિંચાઇ યોજના હેઠળ લાભ આપવામાં આવશે. આદિજાતિ ગામોને સિંચાઇ માટે પાણી આપવા 53 માળની ઊંચાઈના મકાન જેટલી ઊંચાઈ સુધી પાણી લિફ્ટ-ઉદવહન કરવાનું ઈજનેરી કૌશલ્ય આ યોજના મારફતે સાકાર થશે.
આ યોજના 36 મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ યોજનાથી 100 હયાત ચેકડેમ ભરવાનું તેમજ રૂપિયા 2 કરોડ 76 લાખના ખર્ચે 3 નવા મોટા ચેકડેમ બનાવી તેને પણ પાણીથી ભરીને સિંચાઇ સગવડ ઉભી કરવાનું આયોજન છે.
ઉદવહન સિંચાઈ યોજના ઉમરપાડા-ડેડીયાપાડાના આદિજાતિ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે, તેમજ બારમાસી સિંચાઈ સુવિધા તેમને મળવાથી હવે ખેતી દ્વારા આર્થિક સમૃદ્ધિની નવી દિશા આ વનબંધુ ધરતીપુત્રોને મળશે. તાપી-કરજણ ઉદવહન સિંચાઇ યોજના અન્વયે 4 પમ્પિંગ સ્ટેશન્સ બનાવામાં આવશે. તાપી નદી પરના ઉકાઇ જળાશયના સાતકાશી ગામે પ્રથમ પમ્પિંગ સ્ટેશન નિર્માણ કરીને 10 ફૂટની વ્યાસની પાઇપથી 500 ક્યુસેક પાણી ઉપાડવામાં આવશે, એટલું જ નહીં ઉમરપાડાના સરવાણ પાંચા આંબા તથા સાદડા પાણી ગામના તળાવો પણ આ જ પાઇપલાઇન યોજનાથી ભરવામાં આવશે.