- ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા કાયદો આજથી અમલી
- વિધાનસભામાં 1 એપ્રિલ 2021માં થયું હતું પસાર
- કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિધાનસભામાં ફાડ્યું હતું બિલ
ગુજરાત વિધાનસભામાં (Gujrat assembaly) ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક નામનું બિલ બહુમતીથી પસાર થયું હતું. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ બિલ રજૂ કરીને કહ્યું હતું કે, આ બિલ લાવવા પાછળ હિન્દુ ધર્મની બહેન દિકરીઓને સુરક્ષિત કરવાનો છે. ભૂતકાળમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાંથી બોધપાઠ લઈને તેમજ અને અન્ય રાજ્યોના લવજેહાદ બિલનો અભ્યાસ કરીને આ બિલ તૈયાર કરાયું છે. આ કાયદો હવે આજ 15 જૂનથી રાજ્યમાં અમલી કરવાની જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે.
આ પણ વાંચોઃ લવજેહાદ બિલમાં સજાની શું છે જોગવાઈ? તેની વિગતવાર માહિતી વાંચો
લવજેહાદ વિધેયકમાં રજૂ થયેલી જોગવાઈઓ
- હાલના વિધેયકની જોગવાઇઓ અને તેમાં સુચિત સુધારા અંગે વિગતો આપતાં પ્રદીપસિંહ કહ્યુ કે, હાલના કાયદામાં કલમ 2(ક)માં ‘લલચાવવું’ શબ્દની વ્યાખ્યા આપવામાં આવેલ છે. જેમાં રોકડમાં અથવા વસ્તુરૂપે બક્ષીસ, નાણાંકીય અન્યથા કોઈ મહત્વના લાભ આપવાના સ્વરૂપમાં કોઈ પ્રલોભન આપવાનો સમાવેશ થાય છે.
- હવે આ શબ્દની વ્યાખ્યામાં ‘વધુ સારી જીવનશૈલી, દૈવી આશિર્વાદ અથવા અન્યથા’ શબ્દનો સમાવેશ કરવાની દરખાસ્ત છે.
- તે ઉપરાંત કલમ 2(ઘ)માં ‘કપટયુક્ત સાધનો’ની હાલની વ્યાખ્યામાં ગેર રજૂઆત અને બીજી કોઈ કપટી પ્રયુક્તિનો સમાવેશ થાય છે. આ શબ્દની વ્યાખ્યામાં ખોટા નામ, ધાર્મિક ચિન્હ અથવા કોઈ અન્ય રીતે ખોટી ઓળખ આપવાની બાબતનો સમાવેશ કરવાની દરખાસ્ત છે.
- કલમ-3 માં કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને દબાણ, લાલચ અથવા કપટયુક્ત રીતો દ્વારા ધર્માંતરણ કરાવશે નહિ તેમજ કોઈ અન્ય વ્યક્તિ તેમાં મદદગારી કરશે નહિ. એ મુજબની જોગવાઇ છે. આ કલમમાં લગ્ન દ્વારા અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવા મદદ કરી ધર્મ પરિવર્તન કરાવી શકશે નહિ તે મુજબની જોગવાઈ ઉમેરવાની દરખાસ્ત છે.
- તે ઉપરાંત હાલના કાયદામાં ધર્માંતરણની ફરિયાદ કોણ કરી શકશે તે અંગે જોગવાઈ ન હોવાથી કલમ 3-ક નવી ઉમેરી ધર્માંતરણથી અસર પામેલ વ્યક્તિ તેના માતા-પિતા, ભાઈ, બહેન અથવા લોહી સંબંધથી, લગ્નથી અથવા દત્તકથી જોડાયેલી વ્યક્તિ ફરિયાદ કરી શકશે તે મુજબની જોગવાઈ કરવાની દરખાસ્ત છે.
- તે જ રીતે હાલની કલમ-4માં નવી જોગવાઇ ઉમેરી જ્યારે આ કાયદા હેઠળ કોઈ ગુનો બને તો જે વ્યક્તિએ ખરેખર ગુનો કર્યો છે તેના સિવાય એવી વ્યક્તિ કે જે આ ગુનામાં મદદગારી કરે, ગુનો કરવાની સલાહ આપે કે ગુનો કરવા મનાવે તો તે ગુનો જાણે કે તેણે જ કર્યો છે તે મુજબનો આરોપ મુકવાની દરખાસ્ત છે.
- હાલના કાયદાની કલમ-4 પછી 3 નવી કલમો 4-ક, 4-ખ અને 4-ગ ઉમેરવાની દરખાસ્ત છે. ઉમેરવા ધારેલી કલમ 4-ક મુજબ ધર્માંતરણ લગ્ન દ્વારા અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવામાં મદદ કરવાથી થયુ હોય તો 5 વર્ષ સુધીની અને 3 વર્ષ કરતા ઓછી નહિ તેટલી સજા અને 2 લાખ રૂપિયા કરતા ઓછો દંડ નહિ કરવાની જોગવાઈ કરવાની દરખાસ્ત છે.
- હાલના કાયદા હેઠળ ધર્માંતરણ માટે ત્રણ વર્ષ સુધીની સજા અને પચાસ હજાર સુધીનો દંડ છે તે લગ્નથી દ્વારા થતાં ધર્માંતરણ માટે સજાનું પ્રમાણ વધારી, જોગવાઇ વધારે કડક કરી, ઓછામાં ઓછા ત્રણ વર્ષની અને પાંચ વર્ષ સુધીની સજા અને ઓછામાં ઓછા રૂપિયા બે લાખના દંડની જોગવાઇ કરેલ છે. અને જો આ પ્રકારનો ગુનો સગીર, અનુસુચિત જાતિ કે જનજાતિની સ્ત્રી કે વ્યક્તિના સંબંધમાં લગ્નને કારણે ધર્માંતરણનો ગુનો બનતો હોય તો તેને માટે હાલના કાયદાની જોગવાઇમાં ચાર વર્ષ સુધીની સજા અને રૂપિયા એક લાખ સુધીનો દંડ છે તે જોગવાઇમાં વધારો કરીને 4 વર્ષ કરતા ઓછી નહિ અને 7 વર્ષ સુધીની તેવી સજા અને 3 લાખ રૂપિયા કરતા ઓછો દંડ નહિ તે મુજબની દરખાસ્ત છે.
પ્રદીપસિંહે કહ્યું હતું કે, કાયદામાં નવી કલમ 4-ખ ઉમેરી એવા લગ્ન કે જે ગેરકાયદેસર ધર્માંતરણના હેતુથી કરવામાં આવ્યા હોય કે જેમાં લગ્ન પહેલા કે પછી ધર્માંતરણ થયુ હોય તો ફેમીલી કોર્ટ દ્વારા અને જ્યાં ફેમીલી કોર્ટ ના હોય ત્યાં ક્ષેત્રાધિકાર ધરાવતી અદાલત દ્વારા આવા લગ્ન રદબાતલ ઠેરવવામાં આવશે.
હાલના કાયદામાં કલમ 4-ગ ઉમેરી ધર્માંતરણ જો કોઈ સંગઠન કે સંસ્થા દ્વારા કરાવવામાં આવ્યા હોય તો જ્યારે ધર્માંતરણનો ગુનો બન્યો હોય તે સમયે આવા સંગઠન અથવા સંસ્થામાં જે વ્યક્તિ જવાબદાર હોય અથવા તો તેના ચાર્જમાં હોય તો તેવા કિસ્સામાં 10 વર્ષ સુધીની પરંતુ 3 વર્ષ કરતા ઓછી નહિ તેવી સજા અને 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈની દરખાસ્ત છે.
વધુમાં આવી સંસ્થા કે સંગઠનને નામદાર કોર્ટ સમક્ષ ચાર્જશીટ થયેથી રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટ માટે હક્કદાર રહેશે નહિ તેવી જોગવાઈની પણ દરખાસ્ત છે.