- રાજ્યમાં ફટાકડા ફોડવા પર લાગી શકે છે પ્રતિબંધ
- રાજ્ય સરકાર મોટા શહેરોમાં લગાવી શકે છે પ્રતિબંધ
- નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે મુખ્ય સચિવને મોકલી નોટિસ
ગાંધીનગરઃ રાજ્યના મોટા શહેરો જેવા કે, અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ સહિતના શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રદૂષણ ન થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દિવાળીના તહેવારમાં ફટાકડા નહીં ફોડવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરી શકે છે.
વધુ પ્રદૂષિત શહેરોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધની શક્યતા
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં ફટાકડા નહીં ફોડવાનું પ્રતિબંધ રાજ્ય સરકાર ગમે તે સમયે લાવી શકે છે. ત્યારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા ગુજરાત સહિત અનેક રાજ્યોના મુખ્ય સચિવને આ બાબતની નોટિસ પણ મોકલી આપી છે. ગુજરાતમાં વધુ પ્રદૂષિત શહેરોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ પણ મુકાઈ શકે તેવી પણ શક્યતાઓ છે.
દિવાળીમાં ફટાકડા ફોડવા પર રાજ્ય સરકાર લગાવી શકે છે પ્રતિબંધ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની નોટીસ બાદ મુખ્ય પ્રધાને ગૃહ વિભાગના અધિકારીઓ સાથે યોજી બેઠક
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની નોટીસ બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગૃહ વિભાગના અધિકારીઓ સાથે ખાસ ઉચ્ચ બેઠક યોજીને રાજ્યના કયા શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધુ છે તે અંગેની પણ ચર્ચા કરી હોવાનું સુત્રો તરફથી સામે આવી રહ્યું છે. ત્યારે હવે દિવાળીના ગણતરીના દિવસો જ બાકી છે, તે દરમિયાન રાજ્ય સરકાર ગમે તે સમયે વધુ પ્રદૂષણ ધરાવતા શહેરોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ જાહેર કરી શકે છે. જ્યારે આ પ્રતિબંધ કઈ રીતે જાહેર કરવો અને તેનું પાલન કઈ રીતે કરવું તે બાબતે પણ વિભાગ સાથે ચર્ચા થઇ હોવાનું સામે આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ફટાકડા ફોડવાના કારણે ધુમાંડા થાય છે અને વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાઈરસ પણ રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે કોરોના વાઈરસ હવાથી પણ ફેલાતો હોવાના કારણોથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.
દિવાળીમાં ફટાકડા ફોડવા પર રાજ્ય સરકાર લગાવી શકે છે પ્રતિબંધ ઓરિસ્સા અને રાજસ્થાન દ્વારા દિવાળીમાં ફટાકડા ફોડવા પર લગાવવામાં આવ્યો છે પ્રતિબંધ
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા દેશના મોટાભાગના રાજ્યોમાં ફટાકડા નહીં ફોડવા બાબતની નોટિસ રાજ્યના મુખ્ય સચિવને મોકલવામાં આવી છે. ઓરિસ્સા અને રાજસ્થાન દ્વારા દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ફટાકડા પર પ્રતિબંધ મુરવો કે નહીં તે મુદ્દે વધુ સુનાવણી નવેમ્બરના રોજ કરવામાં આવશે. જો પ્રતિબંધ લગાવવામાં આવશે તો દિવાળી દરમિયાન પ્રદૂષણમાં પણ ઘટાડો નોંધાશે.