ગાંધીનગર: કોરોનાની પરિસ્થિતિ બાબતે કેન્દ્રીય ટીમ દ્વારા ગુજરાતની પ્રશંસા કરવામાં આવી હતી. ગુજરાત સરકારે જે રીતની વ્યવસ્થા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે, તે એકદમ વ્યવસ્થિત છે.
ડૉક્ટરે કોરોનાના કેસ અંગે જણાવ્યું હતું કે, પહેલાં અમદાવાદની જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિ અત્યારે સુરતની છે, પરંતુ જે પ્રકારનું સર્વેલન્સ ગોઠવવામાં આવી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને સુરતની પરિસ્થિતિ પણ કાબૂમાં આવશે. આ ઉપરાંત કેન્દ્રીય ટીમે સુરતમાં સ્મશાન ગૃહની બહાર મૃતદેહનો લાઈન લાગે છે, તે અંગે બોલવાનું ટાળ્યું હતું.
પહેલા કરતા ગુજરાતની પરિસ્થિતિ સારી, પણ સુરતમાં સ્મશાન ગૃહની લાઈન બાબતે ટીમ ચૂપ ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ટીમે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બેઠકમાં CM ડેસ્કબોર્ડની પણ મુલાકાત લીધી હતી. આ સમયે કેન્દ્રીય ટીમે CM ડેસ્કબોર્ડની ચર્ચા કરતાં જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા જે સિસ્ટમ ગોઠવવામાં આવી છે, તે મહત્વની સિસ્ટમ છે.
સુરતમાં ઇન્જેક્શનની અછતના કારણે મોત મામલે AIIMS ડિરેક્ટર ગુલેરિયાએ જણાવ્યું હતું કે, ડૉક્ટરો પણ આની ટ્રીટમેન્ટ માટે ગડમથલમાં છે. ટોસિલિઝુમેબ ઇન્જેક્શન USAથી મંગાવાય છે. એટલે સ્વાભાવિક આની અછત દરેક સ્થળે છે, પરંતુ આ ઇન્જેક્શનની જરૂર ના હોય, ત્યાં પણ આડેધડ વપરાઇ રહ્યાં છે. એ ડૉક્ટરની અણસમજનું પરિણામ છે. બધા કેસમાં આ ઇન્જેક્શનનો ફાયદો જોવા મળતો નથી. જેથી આની અવેજીમાં અન્ય ઇન્ડિયન પ્રોડક્ટ પણ છે, જે વાપરી શકાય તેમ છે. ઘણી પરિસ્થિતિમાં ટોસિલિઝુબેમ ઇન્જેક્શન દર્દીને આપવું નુકસાનકારક છે. આના માટે અમે હોસ્પિટલ સંપર્ક અને ડૉકટરોની સમજાવટ શરૂ કરી છે.
કેન્દ્રના અધિક આરોગ્ય સચિવ આરતી આહુજાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઇન્ડિકેટર્સની સ્થિતિ સારી છે. આ ઉપરાંત કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કોન્ટેકટ ટ્રેસિંગ ખૂબ સારી રીતે થયું છે. જેનું ફોલોઅપ પણ સારી રીતે થઇ રહ્યું છે. આના માટે ધન્વંતરી રથ ખૂબ સારૂં ઉદાહરણ છે અને ડોર સ્ટેપ પર જઇને હેલ્થ કેર થઇ રહી છે. સમગ્ર રાજ્યમાં આનું અમલીકરણ ખૂબ સારી વાત છે.
નીતિ આયોગના સભ્ય વિનોદ પાલે જણાવ્યું હતું કે, સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝના શ્રમિકો માટે જે વર્કર ગાઇડ લાઇન બનાવામાં આવી છે, તેનાથી અમે પ્રભાવિત થયાં છીંએ અને અન્ય રાજ્યોમાં પણ આ અમલી કરવાની જરૂર છે.