- DGP ઓફિસમાં ગયેલા આંદોલકારીઓએ આંદોલન મોકૂફ કર્યું
- સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન યથાવત
- અન્ય જિલ્લાઓમાં હજુ પણ આંદોલન કાર્યરત
- 10 મુદ્દાઓ સાથે આંદોલન મોકૂફનો નિર્ણય
ગાંધીનગર: બુધવારે મોડી રાત્રે સાડા આઠ કલાકની આસપાસ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ પરિવારજનો દ્વારા આંદોલનો કરવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન અમુક આગેવાનો સાથે બેઠક કરવા માટે નીકળ્યા હતા અને 10 મુદ્દાઓને ધ્યાનમાં લઇને આંદોલન બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 10 મુદ્દાની જો વાત કરવામાં આવે તો પોલીસનો ગ્રેડ પે વધારો (Grade pay police), SRP ના જવાનોની સીધી ભરતી રજા પગાર પોલીસના યુનિયનનું ગઠબંધન જેવા 10 અલગ- અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ અમુક આંદોલનકારીઓએ આંદોલન મોકૂફ રહ્યા હોવાની જાહેરાત કરી હતી.
DGP ઓફિસથી પોલીસ પરિવારનું આંદોલન મોકૂફ આ પણ વાંચો: પોલીસ ગ્રેડ પે વધારાને લઇને થાળીઓ વગાડી, રસ્તા રોકી કરાયું વિરોધ પ્રદર્શન
સત્યાગ્રહ ખાતે આંદોલન નહિ
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા (Ashish Bhatia) સાથેની મુલાકાત બાદ આંદોલનકારીઓ દ્વારા ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન નહીં થાય તેવી બાહેંધરી આપી હતી. જે બાદ ગણતરીના જ મિનિટોમાં સત્યાગ્રહ છાવણી ખાતેથી આંદોલનકારીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે અહીંયાથી આંદોલન બંધ નહીં થાય અને જ્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા લેખિતમાં કોઈપણ પ્રકારનો નિર્ણય કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
આ પણ વાંચો: પોલીસ આંદોલનની બેઠકમાં પરિણામ શૂન્ય, આંદોલન રહેશે યથાવત
આંદોલનમાં બે ફાટ પડી
આમ સીધી દૃષ્ટિએ જોવા જઈએ તો આ આંદોલનમાં બે ફાટ પડી હોવાનું પણ સામે આવી રહ્યું છે. એક તરફ પરિવારના આંદોલનકારીઓ આંદોલન સમેટાઈ ગયું હોવાનું નિવેદન આપી રહ્યા છે. બીજી તરફ અન્ય જિલ્લાઓ અને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મંડપમાં બેસેલા આંદોલનકારીઓ આંદોલન યથાવત હોવાનું નિવેદન પણ આપી રહ્યા છે, ત્યારે આંદોલનમાં પણ બે અલગ અલગ ફાટ પડી હોવાનું અને બે અલગ અલગ ગ્રુપ દ્વારા આંદોલન ચલાવાતું હોવાનું સામે આવી રહ્યું છે.
મોડી રાત સુધી બાળકો પણ આંદોલન સ્થળે જોવા મળ્યા
એક બાજુ આંદોલન સમેટાઈ ગયું હોવાની જાહેરાત કરવામાં આવે છે. બીજી તરફ આંદોલન યથાવત હોવાની પણ જાહેરાત કરવામાં આવે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું નથી. બુધવારે મોડી સાંજની વાત કરવામાં આવે તો નવ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે બાળકોની હાજરી પણ જોવા મળી હતી અને તેઓ આંદોલન યથાવત્ હોવાનો અને આંદોલનને સમર્થન કરતા હોવાના જ દ્રશ્યો પણ સામે આવ્યા હતા. હવે આ આંદોલન કઈ દિશામાં જશે તે જોવાનું રહ્યું સાથે જ અન્ય જિલ્લાઓમાં આંદોલન યથાવત્ રહેશે કે નહીં તે પણ જોવું રહ્યું.
- પોલીસ ડિપાર્ટમેન્ટને ગ્રેડ પે(Grade pay police)માં વધારો મળે તે હેતુથી છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી આંદોલનની શરૂઆત થઈ છે. જોકે આ પહેલા સોશિયલ મીડિયાથી શરૂ થયેલું આંદોલન અત્યારે રસ્તાઓ પર જોવા મળી રહ્યું છે. પોલીસ પરિવારના સભ્યો દ્વારા ઠેરઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે બુધવારે દાણીલીમડામાં પોલીસ પરિવારના સભ્યોએ તાળીઓ વગાડી, રસ્તાઓ રોકી ગ્રેડ પે વધારાની માગણી કરી હતી.