- રાજકોટ અને જૂનાગઢથી ગૌતમ અને ગોદાવરી નામના સફેદ વાઘ લવાયા હતા
- પ્રાણીઓ માટે આધુનિક ઓપન મોટ આવાસોનું ઉદઘાટન થશે
- પ્રધાન ગણપતભાઇ વસાવા, વન રાજ્ય પ્રધાન રમણભાઇ પાટકર કરશે ઉદઘાટન
ગાંધીનગર : ગીર ફાઉન્ડેશન દ્વારા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે તૈયાર કરાયેલા આધુનિક ઓપન મોટ આવાસો અને મુલાકાતીઓ માટે ખાસ ગેલેરી તથા પથ બનાવવામાં આવ્યો છે. તેમાં પણ પહેલીવાર સફેદ વાઘને જોવાનો લ્હાવો મળશે. વન્યજીવોની સુરક્ષા, સલામતી અને અનુકૂળતાઓને ધ્યાનમાં રાખી આ ઓપન મોટ પ્રકારના આવાસો તૈયાર કરાયા છે. જેની વિશેષતાઓ એ છે કે, પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો આવાસોમાં ઉપયોગ કરાયો છે.
પહેલીવાર લવાયેલા સફેદ વાઘની જોડી હવેથી જોવા મળશે
એપ્રિલ મહિનામાં જ ગૌતમ મને ગોદાવરીની જોડી ઈન્દ્રોડા પાર્ક લવાઈ હતી જે બાદ 3 થી 6 અઠવાડિયા સુધી લાવ્યા બાદ નર-માદા સફેદ વાઘને ક્વોરન્ટિન કરાયા હતા. કોરોના પીક પર આવતા ઈન્દ્રોડા પાર્ક પણ બંધ કરાયો હતો. જે બાદ ઈન્દ્રોડા પાર્ક શરૂ તો કરાયો હતો પરંતુ આ વાઘની જોડીને ક્વોરન્ટિન કરાઇ હતી. જે બાદ આ વાઘને કોઈને જોવાની પરમિશન અપાઈ નહોતી. આ સફેદ વાઘની જોડીમાં 2.7 વર્ષનો નર અને 4 વર્ષથી મોટી ઉંમરની માદા વાઘને લાવવામાં આવ્યા છે. જોડી લવાયાના 5 મહિના બાદ લોકોને સફેદ વાઘ જોવા મળશે.