- કમલમ ખાતે 3 કલાકે ધારાસભ્યોની બેઠક
- નિરીક્ષકો પહોંચ્યા કમલમ
- મુખ્યપ્રધાન પદના દાવેદાર નીતિન પટેલ અને આર.સી.ફળદુ પણ પહોંચ્યા કમલમ
ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતના મુખ્યપ્રધાન કોણ હશે તે મુદ્દે કમલમ ખાતે આજે 3 કલાકે ધારાસભ્યોની મીટીંગ યોજાવાની છે. જેમાં કેન્દ્રીય નિરિક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી આવી પહોંચ્યા છે. સાથે જ ધારાસભ્યો અને પ્રધાનોએ પણ કમલમ ખાતે આવવાનું શરૂ કરી દીધું છે.
કમલમ ખાતે ધારાસભ્યોના આવવાનો દૌર શરૂ મુખ્યપ્રધાન પદ માટે સેન્સ લેવાશે
મુખ્યપ્રધાન પદના દાવેદાર ગણાતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, કૃષિપ્રધાન આર.સી.ફળદુ તેમજ એક્ટિવ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ અહીં આવી પહોંચ્યા છે. કમલમ ખાતે આવેલા સેન્ટ્રલ હોલમાં મિટિંગ થશે. આ મિટિંગમાં ગુજરાતના સાંસદો પણ ઉપસ્થિત રહેશે તેમજ મુખ્યપ્રધાન પદ માટે દાવેદારોની સેન્સ લેવામાં આવશે.
સાંજે 5 વાગે નામ જાહેર થવાની શકયતા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ગુજરાતમાં આવે તેવી શક્યતા છે. ત્યારે તમામ પ્રક્રિયાના અંતે સાંજે 5 વાગ્યે મુખ્યપ્રધાનનું નામ જાહેર થાય તેવી શક્યતા છે. જે આગામી સમયમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળવા જશે.