ગાંધીનગરઃ મ્યુનિસિપલ કોર્પરેશનના હદ વિસ્તરણની સાથે શાસક પક્ષના સભ્યો અને વહીવટી તંત્ર વચ્ચે વધી રહેલી ખાઈને પૂરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. મહિનાઓથી મહાનગરપાલિકામાં ઘર કરી ગયેલા અવિશ્વાસના વાઇરસથી મુક્ત કરવા માટે મંગળવારે પ્રભારી પ્રધાન દ્વારા વધુ એક બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં મેયર, સ્થાયી સમિતી ચેરમેન અને ડેપ્યુટી મેયર ઉપરાંત કમિશનરને પણ હાજર રહેવા જણાવાયું છે. કોરોના મહામારીના પગલે મહાનગરપાલિકાના અટકી પડેલા કરોડો રૂપિયાના નવા કામો હાથ પર લેવા અને વિવાદાસ્પદ મુદ્દાઓને ઉકેલવા માટે યોજાઈ રહેલી આ બેઠકમાં કાઉન્સિલરો અને સંગઠનના હોદ્દેદારોને બાકાત રાખવામાં આવ્યા છે.
આ અગાઉ પ્રભારી પ્રધાન કૌશિકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કાઉન્સિલરો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર અને ચૂંટાયેલા સભ્યો વચ્ચેના વિવાદનો લાભ લઈને સંકલન સમિતીની બેઠકો યોજવાનો નિર્ણય લેવાયા બાદ મહાનગરપાલિકા પ્રમુખ અને મહામંત્રીને ટેન્ડર પ્રક્રિયાનું રિમોટ કંટ્રોલથી સંચાલન કરવાની સત્તા મળી ગઈ છે. સંગઠનના હાથમાં સત્તાનો દોર આવી જતાં ચેરમેન અને સભ્યો પાસે હવે માત્ર રબર સ્ટેમ્પ જેવી જ કામગીરી રહી છે. ગુરુવારે યોજાનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે સંકલન સમિતીમાં કરોડો રૂપિયાના ટેન્ડરોને મંજૂરી અંગે સૂચના અપાઈ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યુ હતું.