ગાંધીનગરઃ પ્રભારી પ્રધાને આપેલા માર્ગદર્શન બાદ પ્રથમ વખત ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતીની બેઠક યોજાઈ હતી. આ બેઠક પૂર્વે મ્યુનિસિપલ હોદ્દેદારો અને સ્થાયી સમિતીના સભ્યો વચ્ચે સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં સ્થાયી સમિતીએ અગાઉ ફગાવી દીધેલી બસ સ્ટેન્ડના નિર્માણની દરખાસ્તને મંજૂર કરવા ભલામણ કરી હતી. આ ભલામણનો સભ્યોએ વિરોધ કરતાં ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બેઠક અધૂરી છોડીને મેયર જતા રહ્યા હતા.
સ્થાયી સમિતીના સભ્યોની બેઠક પહેલા સંકલન સમિતીની બેઠક યોજવાની પ્રથાનો ફરી અમલ શરૂ થયો છે. પ્રથમ બેઠકમાં જ મેયરે પાટનગરમાં પીક અપ બસ સ્ટેન્ડો તૈયાર કરવા માટે આવેલી રૂપિયા 2.71 કરોડની દરખાસ્તને મંજૂરી આપવા અંગે ચર્ચા કરી હતી. બસ સ્ટેન્ડની ડિઝાઈન યોગ્ય ન હોવાની અને તેની કિંમત વધારે હોવાનું જણાવી સ્થાયી સમિતીના સભ્યોએ 21મી માર્ચે આ દરખાસ્ત ફગાવી હતી. જોકે, આ દરખાસ્ત મંજૂર કરાવવા માટે મેયરે વિશેષ રસ દાખવ્યો હતો અને સંકલન સમિતીના નામે શહેર સંગઠનના હોદ્દેદારો પાસ સ્થાયી સમિતીનું રિમોટ કંટ્રોલ આવી જતાં 9મી જુલાઈએ કમિશનરે જૂની દરખાસ્તને ફરી સ્થાયી સમિતી સમક્ષ મોકલી હતી.