ગાંધીનગર : ગાંધીનગરના કલોલ તાલુકાની આંગડિયા પેઢીમાં 2 ફેબ્રુઆરીના રોજ 8 શખ્સોએ ભેગા મળીને 2.10 કરોડની લૂંટ (Gandhinagar robbery) ચલાવી હતી, જેમાં પોલીસે તાત્કાલિક ધોરણે લૂંટનો મેસેજ પ્રાપ્ત થતા અલગ અલગ 8 ટીમ બનાવીને ટેકનિકલ સર્વેલન્સ (Gandhinagar technical surveillance)થી 5 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ગાંધીનગર જિલ્લા SP મયુર ચાવડા (SP mayur chavda on Gandhinagar robbery)એ જણાવ્યું હતું કે, ગાંધીનગરના કલોલ તાલુકામાં થયેલી 2 કરોડ 10 લાખની લૂંટમાં મુખ્ય આરોપી ગૌતમ પટેલ લૂંટના બીજા જ દિવસે વિદેશ ભાગી ગયો છે, જ્યારે અત્યારે તેના દીકરા સૌરભ પટેલની ધરપકડ કરીને 1 કરોડની રકમ રિકવર કરી છે.
રાજસ્થાનથી લૂંટ કરવા 3 આરોપીને ગાંધીનગર બોલાવ્યા
ગાંધીનગર મયુર ચાવડા પત્રકાર પરિષદને સંબોધતા કલોલના આંગળીયા પેઢી લુંટ બાબતે જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી ગૌતમ પટેલે આ સમગ્ર પ્લાનનું આયોજન કર્યું હતું. જ્યારે લૂંટ માટે ગૌતમ પટેલે રાજસ્થાનના ડુંગરપુર વિસ્તારમાંથી સ્પેશિયલ 3 માણસોને લૂંટ કરવા માટે કલોલમાં બોલાવ્યા હતા.
આ પણ વાંચો:કડીથી અમદાવાદ જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 2 કરોડની લૂંટ
આરોપી વસંત આંગડિયા પેઢીથી માહિતગાર હતો
મયુર ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, વસંત ચૌધરી કે જે કડી ખાતે ઉઠા અને ભંગારનો ધંધો કરે છે અને પોતાના નાણાકીય વ્યવહાર માટે અવારનવાર એમએસ આંગડિયા પેઢીમાં જતો હતો અને પેઢીના નાણાકીય વ્યવહાર તથા કર્મચારીઓની આવક જાવકથી તે વાકેફ હતો, જેથી ગૌતમ પટેલ સાથે મળીને તેઓએ લૂંટની યોજના બનાવી હતી, જેમાં ગૌતમ પટેલે રાજુજી ઠાકોર મારફતે અન્ય 3 આરોપીઓને રાજસ્થાનના વીંછીવાડા ખાતેથી લુંટ કરવા માટે બોલાવ્યા હતા.
છાત્રાલ હાઇવે પર બની ઘટના
ઘટનાની વિગતવાર માહિતી આપતા ચાવડાએ જણાવ્યું હતું કે, લૂંટ દરમિયાન આરોપી વસંત ચૌધરીએ કડી છત્રાલ હાઈવે ઉપર પોતાની ટાટા હેરિયર ગાડી સાથે વોચ રાખેલી હતી. તે દરમિયાન જ આંગડિયા પેઢીના કર્મચારી તે જગ્યાએથી ગાડી લઈને જતા ગૌતમ પટેલ તેના સાગરિતો સાથે સુમો ગાડીમાં પીછો કરીને છત્રાલ હાઈવે પર આવેલ કરણ પેપરમીલ પાસે કર્મચારીને માર મારીને રોકડા 2 કરોડ અને 10 લાખ રૂપિયા લઈને નાસી છૂટયા હતા.