ગાંધીનગર: છેલ્લા ઘણા સમયથી એસસી એસટી અને ઓબીસી સમાજ તથા તેમના યુવા ઉમેદવારો 1 ઓગસ્ટ 2018ના સરકારના પરિપત્રનો વિરોધ કરી રહ્યા હતા. ત્યારે નામદાર હાઈકોર્ટ દ્વારા 1-8-2018નો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવેલા પરિપત્રના નિર્ણયને સરકાર સ્વીકારે છે.
મહત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રનો એસસી એસટી અને ઓબીસી સમાજના યુવા ઉમેદવારો દ્વારા ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે અને કોઈ દિવસ અનસન સહિતના વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે હાઇકોર્ટ દ્વારા આ પરિપત્ર રદ થતા રાજ્ય સરકારે પણ પરિપત્રનો રદ થવાનો નિર્ણય સ્વીકાર્યો છે. જ્યારે હવે આવનારા દિવસોમાં રાજ્ય સરકારની વિવિધ જગ્યાઓ પરની ભરતી પરિપત્ર રદ થવાને કારણે જે જગ્યાઓ ખાલી પડી રહી હતી તેને ભરવામાં આવશે.
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જીપીએસસીમાં વર્ગ 1 અને 2ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું પરિણામ રિવાઇઝ પણ કરવામાં આવશે. પરિપત્ર રદ કરાયા બાદ રિવાઇઝ પરિણામ પણ રાજ્ય સરકાર જાહેર કરે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હવે જીપીએસસી દ્વારા 103 જેટલા ભરતીના પરિણામો જાહેર કરવામાં આવશે આ તમામ પરિણામો વિવાદાસ્પદ પરિપત્રને કારણે અટકી પડયા હતા.