- રાજ્યના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનો ધસારો
- 3 દિવસની રજાઓ મળતા ફરવા નીકળ્યા ગુજરાતીઓ
- સ્ટેચ્યુ ઑફ યુનિટી, સોમનાથ અને ચોટીલા સહિતના સ્થળોની મુલાકાત લીધી
- નવા મોસ્ટ પ્રિફર્ડ ટુરીસ્ટ ડેસ્ટીનેશન પ્રવાસીઓને આકર્ષવામાં સફળ
ગાંધીનગર : ઓગસ્ટ મહિનાના અંતિમ અઠવાડિયામાં જન્માષ્ટમી નિમિત્તે શનિ-રવિ અને સોમ એમ ત્રણ દિવસ રજાનો માહોલ હતો, ત્યારે ફરવાના શોખીન ગુજરાતીઓ પ્રવાસે નીકળી પડ્યા હતા. મહત્વની વાત કરવામાં આવે તો ત્રણ દિવસ સુધી સળંગ રજાઓના કારણે રાજ્યના અનેક ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઉપર ગુજરાતીઓ જોવા મળ્યા હતા. સાથે જ રાજ્યમાં સોમનાથ અને ચોટીલા જેવા ધાર્મિક સ્થળોએ પબ્લિકનો ધસારો જોતા થોડાક સમય માટે મુખ્ય દ્વાર પણ બંધ કરવાની ફરજ પડી હતી.
તાજ મહેલ કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વધુ મુલાકાત લેવાઈ
નર્મદા જિલ્લાના કેવડિયામાં નિર્માણ પામેલી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 28 ઓગસ્ટના રોજ 23,907 પ્રવાસીઓ, 29 ઓગસ્ટના રોજ 40,914 અને 30 ઓગસ્ટના રોજ 27,343 એમ કુલ 92,164 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. તાજ મહેલ કરતાં પણ વધુ પ્રવાસીઓ વર્ષ દરમિયાન અહીં મુલાકાતે આવતા થયા છે. કેવડિયા ખાતે આવેલા ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, વ્યુઇંગ ગેલેરી, ગ્લો ગાર્ડન, જંગલ સફારી, એકતા નર્સરી, કેક્ટસ એન્ડ બટરફ્લાય ગાર્ડન, પેટ ઝોન, નૌકાવિહાર, ઈલેક્ટ્રિક સાયકલિંગ, રિવર રાફ્ટિંગ વગેરેનો પણ આનંદ મોટી સંખ્યામાં ઉમટેલા સહેલાણીઓએ ઉઠાવ્યો હતો.
સાયન્સ સિટીમાં પણ મુલાકાતીઓ આવ્યા
અમદાવાદ સાયન્સ સીટીને વધુ આધુનિક અને આકર્ષક બનાવવામાં આવી છે. બાળકો, યુવાનો, વિદ્યાર્થીઓને ગમ્મતની સાથે જ્ઞાન મળે તેવા આશયથી વિકસાવવામાં આવેલી રોબોટિક ગેલેરી, એક્વેટિક ગેલેરી, આઇ-મેક્સ થિયેટર, ફાઇવ-ડી થિએટર, અર્થક્વેક રાઇડ, મિશન ટૂ માર્સ રાઇડ જેવા વિશ્વસ્તરીય સ્થળો લોકોને આકર્ષવામાં સફળ રહ્યા છે. અમદાવાદ સાયન્સ સિટીની 28 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન કુલ 10,996 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આ ત્રણ દિવસો દરમિયાન સાયન્સ સિટીની મુલાકાતની ટિકિટની આવક 35,56,910 થઇ છે, જેમાં 10,236 લોકોએ એક્વેટિક ગેલેરી, 2806 લોકોએ રોબોટિક ગેલેરી અને 1403 લોકોએ એક્વેટિક ફાઇવ-ડી થિએટરની મુલાકાત આ ત્રણ દિવસો દરમિયાન લીધી હતી.
21,123 મુલાકાતીઓ જૂનાગઢ રોપ-વે ની મજા માણી
ગીરનાર રોપ-વે સુવિધા પણ ગત દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહી છે. ગીરનારની ટોચ પર સહેલાઇથી પહોંચી ધાર્મિક સ્થળોએ દર્શન કરી શકે અને આભને આંબતા આ પર્વતાધિરાજનું કુદરતી સૌંદર્ય માણી શકે તે માટે આ રોપ-વે એક અનેરૂં આકર્ષણ બન્યો છે. જુનાગઢ ખાતે આ રોપ-વેથી 28 ઓગસ્ટના રોજ 4,861 પ્રવાસીઓ, 29 ઓગસ્ટના રોજ 7,459 અને 30 ઓગસ્ટના રોજ 8,503 એમ કુલ 21,123 પ્રવાસીઓએ મુલાકાત લઇ ગિરનારના પવિત્ર ધામની મુલાકાત લઇ પ્રભુ દર્શનની સાથે સાથે પ્રકૃતિ દર્શનનો પણ લ્હાવો લીધો હતો.
રાજ્યનું મોસ્ટ પ્રિફર્ડ ટુરીસ્ટ ડેસ્ટીનેશન શિવરાજપુર બીચ
‘એશિયાના એકમાત્ર બ્લ્યુ બીચ’ તરીકે સુવિખ્યાત શિવરાજપુર બીચ ખાતે તાજેતરના તહેવારોની રજાના દિવસોમાં 28 ઓગસ્ટના રોજ 3,100 પ્રવાસીઓ, 29 ઓગસ્ટના રોજ 8,764 અને 30 ઓગસ્ટના રોજ 9,500 એમ કુલ 21,364 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.